અમદાવાદ : કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે અમદાવાદ શહેરની પસંદગી થતાં જ ગુજરાતના વિકાસમાં નવો અધ્યાય લખાયો છે. આ સાથે જ ઓલિમ્પિક 2036 માટે પણ અમદાવાદની યજમાની લગભગ નિશ્ચિત થઈ ગઈ છે. આ બે વર્લ્ડ ક્લાસ ઈવેન્ટના આયોજનથી આખી દુનિયામાં અમદાવાદનું નામ ગૂંજતું થશે. એટલો વિકાસ થશે કે અમદાવાદની સિકલ સાવ બદલાઈ જશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી છેલ્લા ઘણા સમયથી વર્ષ-2030 માં યોજાનારા કોમનવેલ્થ ગેમ્સના આયોજન માટે આગોતરી તૈયારી શરુ કરી દેવામા આવી હતી. અમદાવાદમાં વસ્ત્રાલ ખાતે રુપિયા 52 કરોડના ખર્ચથી સ્પોર્ટસ કોમ્પલેકસ બનાવાઈ રહયુ છે. ઉપરાંત વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઉપરાંત સરદાર પટેલ સ્પોર્ટસ એન્કલેવની સુવિધા પ્રાપ્ત છે. નારણપુરા ખાતે રુપિયા 825 કરોડથી વધુના ખર્ચથી વીર સાવરકર સ્પોર્ટસ કોમ્પલેકસ એકવાટીક સેન્ટર તેમજ કોમનવેલ્થ ગેમ્સ મુજબના સ્ટાન્ડર્ડ મુજબની તમામ સુવિધાઓ ધરાવે છે.આ ઉપરાંત શહેરના વિવિધ વિસ્તારમાં પાંચ નવા સ્પોટર્સ કોમ્પલેકસ બનાવાશે.ત્રણ હજાર ખેલાડીઓ માટે એથ્લેટિકસ વિલેજ બનાવવા પણ આયોજન હાથ ધરવામા આવશે.
આગામી સમયમાં મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી શહેરમાં ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થાને ધ્યાનમા રાખીને મોટા ફેરફાર કરવામા આવશે. જે સ્થળ કે સ્ટેડિયમમાં કોમન વેલ્થ ગેમ્સ-2030 ની વિવિધ રમતો રમાવાની છે તે વિસ્તારમાં સ્ટેડિયમ સાથે કનેકટ થતા રસ્તાઓ પહોળા કરવામાં આવશે. અમદાવાદમાં આવેલા ઈન્ટરનેશનલ એરપોર્ટનું વિસ્તૃતિકરણની કામગીરી હાલમાં ચાલી રહી છે.આ ઉપરાંત મુંબઈ-અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેકટ ડિસેમ્બર-2027 માં પુરો થવા તથા ડિસેમ્બર-2029 સુધીમાં સંપૂર્ણ રીતે શરુ થવાની સંભાવના છે.
અમદાવાદમાં હાલમાં સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-ટુની કામગીરી ચાલી રહી છે.જાન્યુઆરી-26 સુધીમાં બંને તરફ રોડની કામગીરી પુરી થયા પછી ફેઝ-ટુમાં વોટર સ્પોર્ટસ ફેસેલીટી ડેવલપ કરવાની દિશામા કોર્પોરેશન તથા રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ તરફથી કવાયત શરુ કરાઈ છે.


