અમદાવાદ : AMC ના ફૂડ વિભાગ દ્વારા ખાણીપીણીના 27 એકમોને નોટિસ ફટકારવામાં આવી છે. નિયમ મુજબ પ્રતિદિન 50 લિટરથી વધુ તેલનો ઉપયોગ કરતા હોય તેવા એકમોએ તેલના વપરાશ અને ઉપયોગમાં લેવાયેલ તેલ અંગે રજીસ્ટર મેન્ટેન કરવાનું હોય છે. બળેલું તેલ, બાયો-ફ્યુઅલના ઉત્પાદન સાથે જોડાયેલા એકમને આપવાનું હોય છે. FSSAI ની ગાઈડલાઈન અનુસાર દૈનિક 50 લીટરથી વધુ ખાદ્ય તેલનો ઉપયોગ કરતા એકમોને આપવામાં આવેલ Improvement Notice થી ખળભળાટ મચી ગયો છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, AMC ના ફૂડ વિભાગ દ્વારા જુદાજુદા એકમોમાં તપાસ કરતા કેટલાક એકમમાં આ નિયમનું પાલન ન થતું હોવાનું સામે આવ્યું હતું. જેથી તંત્ર દ્વારા લિજ્જત ખમણ મણિનગર, મહેતા સ્વીટ, મણિનગર, સમ્રાટ નમકીન, નરોડા આ ઉપરાંત રાયપુર ભજીયા, રાયપુર આસ્ટોડિયા ભજીયા, આસ્ટોડિયા ગ્વાલિયા સ્વીટ. નરોડા સહિતના 27 એકમોને નોટિસ ફટકારી હતી. ત્યારબાદ જરૂરી રજીસ્ટર મેન્ટેન કરી નિયત એજન્સીઓને જ બળેલું તેલ આપવા તાકીદ કરી હતી.

ફૂડ સેફટી ઍન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઈન્ડિયાની માર્ગદર્શિકા અનુસાર, વારંવાર ખાદ્ય તેલને ગરમ કરતાં તેમાં Total Polar Compounds (TPC) વધે છે. TPC 25% થી ઉપર જેટલા વધે ત્યારે ખાદ્ય તેલ માનવ સેવન માટે અસુરક્ષિત બની જાય છે. આવા ખાદ્ય તેલના સેવનથી હૃદય રોગ, લિવર સંબંધિત રોગો થવાની સંભાવના વધી શકે છે.
ફૂડ સેફટી ઍન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઈન્ડિયા દ્વારા દૈનિક 50 લીટર અથવા તેથી વધુ કુકિંગ ઓઈલ વાપરતા મોટા ફૂડ બિઝનેશ ઓપરેટર માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ છે. જેમાં તેઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા ખાદ્ય તેલના ટોટલ પોલર કમ્પાઉન્ડ 25 % થી ન વધે તે સુનિશ્ચિત કરવા માટે સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવેલ છે. આ માર્ગદર્શિકા અનુસાર આ યુનિટો દ્વારા વપરાશ કરેલ ખાદ્ય તેલ નિયત કરવામાં આવેલ એજન્સીઓને કે જેઓ બાયો-ફ્યુઅલના ઉત્પાદન સાથે જોડાયેલ હોય તેઓને જ આપવાનું જણાવવામાં આવેલ છે, જેથી વપરાશ કરેલ ખાદ્ય તેલ ફરીથી ખાદ્ય ચીજવસ્તુઓની બનાવટમાં ઉપયોગ ન થાય. તે અંગેનું દૈનિક રજીસ્ટર તેઓની કક્ષાએ નિભાવવાનું ફરજિયાત કરવામાં આવેલ છે.
આજ રોજ AMC ના ફૂડ વિભાગ દ્વારા શહેરના જુદા જુદા વોર્ડમાં દૈનિક ૫૦ લીટરથી વધુ ખાદ્ય તેલનો ઉપયોગ કરતા યુનિટોની ચકાસણી કરવામાં આવી, આ ચકાસણી દરમ્યાન મળેલ ક્ષતિઓ બાબતે એક્ટની કલમ નં-૩૨ અંતર્ગત Improvement Notice આપવામાં આવેલ છે અને દિન-૭ માં સદર બાબતોના પાલન માટે સુચના આપવામાં આવેલ છે.


