અમદાવાદ : અમદાવાદના ચાંદલોડિયામાં એક રેડીમેડ ગારમેન્ટના શો-રૂમમાં ખરીદીના બહાને હાથફેરો થયાની ઘટના સામે આવી છે. અહીં ત્રણ અજાણી મહિલાઓએ દુકાનના માલિક અને સ્ટાફની નજર ચૂકવીને આશરે રૂપિયા 15,000ની કિંમતના લેડીઝ પંજાબી ડ્રેસની પાંચ જોડીની ચોરી કરી હતી. આ અંગે દુકાનદાર કૃણાલભાઈએ પોલીસમાં ચોરીની ફરિયાદ કરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, 25 નવેમ્બરના રોજ સાંજના પાંચ વાગ્યાની આસપાસ ત્રણ અજાણી મહિલાઓ ગ્રાહક તરીકે શોરૂમમાં આવી હતી. તેમણે સ્ટાફને વિવિધ પંજાબી ડ્રેસ દેખાડવા કહ્યું. સ્ટાફ દ્વારા કલેક્શન બતાવવામાં આવ્યું પછી ત્રણેય મહિલાઓ વારમાંવાર ટ્રાયલ રૂમમાં જવા લાગી. ટ્રાયલ રૂમમાં પ્રવેશતી વખતે તેઓ એક જોડી ડ્રેસ લેવાની જગ્યાએ બે જોડી લઈ જતી હતી. ટ્રાયલ કરીને તેઓ બહાર આવતા ત્યારે સ્ટાફને માત્ર એક જ ડ્રેસ પાછો આપતા અને બીજો ડ્રેસ પોતાની પાસે જ છુપાવી લેતા. આ પ્રક્રિયા ખૂબ કુશળતાથી ચાલી રહી હતી, જેથી દુકાનના કર્મચારીઓને પણ તરત શંકા ન થાય. થોડા સમય બાદ મહિલાઓ કોઈ ખરીદી કર્યા વગર દુકાનમાંથી નીકળી ગઈ હતી.
આ ઘટનાના બીજા દિવસે જ્યારે દુકાનનો સ્ટોક તપાસવામાં આવ્યો ત્યારે લેડીઝ પંજાબી ડ્રેસની કુલ પાંચ જોડી ઓછી હોવાનું માલિકની નજરે ચડ્યું. શરૂઆતમાં સ્ટાફને લાગ્યું કે, કદાચ બીજે ક્યાંક રાખવામાં ભૂલ થઈ હશે,પરંતુ શોધ કર્યા છતાં ડ્રેસ મળી ન આવતા સ્થિતિ શંકાસ્પદ લાગી. કૃણાલભાઈએ સ્ટાફ સાથે મળીને તરત જ સીસીટીવી ફૂટેજ ચેક કર્યું. રેકોર્ડ થયેલા દ્રશ્યો જોયા પછી મહિલાઓની કરામત સામે આવી. તસવીરોમાં સ્પષ્ટ દેખાઈ આવ્યું કે, મહિલાઓ એકબીજાને સહકાર આપી ટ્રાયલ રૂમમાં ડ્રેસ ચોરી રહી હતી. કુલ પાંચ જોડી ડ્રેસની કિંમત આશરે 15 હજાર રૂપિયા જેટલી થતી હતી.
ચોરીને અંજામ આપ્યા બાદ, આ મહિલાઓ કોઈ પણ ખરીદી કર્યા વગર તરત જ શોરૂમમાંથી ફરાર થઈ ગઈ હતી. જ્યારે શોરૂમ સ્ટાફે ડ્રેસનો સ્ટોક ચેક કર્યો, ત્યારે તેમને પાંચ ડ્રેસની ચોરી થઈ હોવાનું ધ્યાનમાં આવ્યું. ચોરીની આ સમગ્ર ઘટના શોરૂમમાં લગાવેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. શોરૂમ માલિકે આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે, અને પોલીસે CCTV ફૂટેજના આધારે ફરાર મહિલાઓને શોધવા માટે તપાસ હાથ ધરી છે.


