અમદાવાદ : અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં બ્રિજના મેઈન્ટેનન્સ, બુલેટ ટ્રેન અને રેલ્વેના પાટાની કામગીરી કરવાની હોવાથી વાહનચાલકો માટે રાત્રિના સમયે કેટલાક રસ્તા બંધ રહેશે. આ કામગીરીના કારણે ગાંધી બ્રિજ, શાહીબાગ અંડરપાસ અને કેડિલા બ્રિજ વાહનચાલકો માટે રાત્રિના સમયે બંધ રહેશે. શહેરીજનોની સુવિધા માટે તંત્ર દ્વારા વૈકલ્પિક રૂટ પણ જાહેર કરવામાં આવ્યા છે. ત્રણેય બ્રિજ પર મેન્ટેનન્સની કામગીરીનો સમયગાળો અલગ-અલગ છે, જેની વિગતો નીચે મુજબ છે.
1. ગાંધી બ્રિજ
કામગીરીનો સમય: 29 નવેમ્બરથી 1 ડિસેમ્બર સુધી, દરરોજ રાત્રે 11:00 વાગ્યાથી સવારે 6:00 વાગ્યા સુધી. દિલ્હી દરવાજાથી ઈન્કમટેક્સ તરફ જતો બ્રિજનો એક તરફનો માર્ગ બંધ રહેશે. વૈકલ્પિક રૂટ: વાહનચાલકો ઈન્કમટેક્સથી દિલ્હી દરવાજા તરફના બ્રિજના બીજા એક તરફના રસ્તાનો ઉપયોગ અવરજવર માટે કરી શકશે.
2. શાહીબાગ અંડરપાસ
કામગીરીનો સમય: 29 નવેમ્બરથી 8 ડિસેમ્બર સુધી દરરોજ રાત્રે 11:00 વાગ્યાથી સવારે 6:00 વાગ્યા સુધી. આ અંડરપાસ પરના રેલવેના પાટાની મજબૂતાઈ વધારવા માટે જૂની અને જર્જરિત પ્લેટો કાઢીને નવી પ્લેટો લગાવવામાં આવશે. વૈકલ્પિક રૂટ: એરપોર્ટ/ગાંધીનગર તરફ જતા, વાહનચાલકો: શિલાલેખ ફ્લેટ થઈને રિવરફ્રન્ટ માર્ગનો ઉપયોગ કરીને ડફનાળા તરફ જઈ શકશે. એરપોર્ટ/ગાંધીનગરથી આવતા વાહનચાલકો: ડફનાળાથી રિવરફ્રન્ટ થઈને આગળ ગમે તે રસ્તે જઈ શકશે. શાહીબાગ આસપાસથી અવરજવર કરનારા લોકો આચાર્ય મહાપ્રજ્ઞાની બ્રિજનો પણ ઉપયોગ કરી શકશે.
3. કેડિલા બ્રિજ
કામગીરીનો સમય: કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી, રાતના સમયે બંધ રહેશે. બ્રિજની ઉપરના ભાગના પિલરો પર સેગમેન્ટ (ખંડ) લગાવવાની કામગીરી ચાલુ છે. વૈકલ્પિક રૂટ: વાહનચાલકો BRTS ની બાજુમાં આવેલા બંને સર્વિસ રોડનો ઉપયોગ કરી શકશે. અન્ય વાહનચાલકો બ્રિજના એક બાજુના રસ્તાનો વારાફરતી ઉપયોગ કરી શકશે.


