અમદાવાદ : અમદાવાદમાં આગામી સમયમાં યોજાનારી સંભવિત કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિકની તૈયારીઓના ભાગરૂપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એક્શન મોડમાં આવ્યું છે. આ કામગીરીના ભાગરૂપે મોટેરા વિસ્તારમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે અડચણરૂપ મકાનો દૂર કરવાની મોટી કામગીરી આજે વહેલી સવારથી હાથ ધરવામાં આવી હતી.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા સ્ટાફ સાથે આજે (29 નવેમ્બર) વહેલી સવારથી 4 હિટાચી મશીન, બે જેસીબી અને મજૂરો સાથે ડિમોલિશનની શરૂ કરવામાં આવ્યું હતું. વહેલી સવારે જે પણ રહીશો હતા તે તમામ રહીશોનાં મકાનો ખાલી કરાવી દેવામાં આવ્યાં હતાં. મકાનો ખાલી કરાવ્યાં બાદ એસ્ટેટ વિભાગ દ્વારા ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું હતું.પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા બળદેવનગરના કુલ 29 જેટલા મકાનો તોડવાની કામગીરી કરવામાં આવી હતી.
આગામી કોમનવેલ્થ ગેમ્સને લઈને અમદાવાદ શહેરને સ્પોર્ટ્સ સિટી બનાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પાછળ કરોડો રૂપિયાના ખર્ચે નવું SVP એન્કલેવ બનાવવાનું છે, ત્યારે આજુબાજુના વિસ્તારને પણ ડેવલપ કરવાની કામગીરી શરૂ થઈ ગઈ છે. સાબરમતી વિસ્તારમાંથી પસાર થતાં અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બાજુમાં આવેલા 24.0 મીટર પહોળાઈના ટીપી રોડને ખુલ્લો કરવા માટે આ કાર્યવાહી કરવામાં આવી છે.
કોર્પોરેશન દ્વારા આ વિસ્તારના રહીશોને અગાઉ બહુવિધ નોટિસો આપવામાં આવી હતી અને મકાન ખાલી કરવા જણાવાયું હતું. જોકે, કેટલાક રહીશોએ મકાન ખાલી ન કરી ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. હાઈકોર્ટે રહીશોની અરજીઓ ફગાવી દીધી હતી અને કોર્પોરેશનને કાયદેસર કાર્યવાહી કરવાની છૂટ આપી દીધી હતી. આ કોર્ટના આદેશ પછી જ AMCએ તાત્કાલિક ધોરણે ડિમોલિશન હાથ ધર્યું.


