અમદાવાદ : ગુજરાત સરકાર કોમનવેલ્થ ગેમ્સ-2030ની જોરદાર તૈયારીઓ કરી રહી છે એવા સમયે શહેરના SG હાઇવે ઉપર આવેલી કર્ણાવતી ક્લબની સામે અધધ..કહી શકાય એવો 500 કરોડનો સોદો થતા શહેરના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં પુનઃ પ્રાણ ફૂંકાયો છે. આ સોદાના પગલે શહેરના ડેવલપર્સ, બિલ્ડરો એકદમ ઉત્સાહમાં આવી ગયા છે.જેના કારણે અમદાવાદના રીયલ એસ્ટેટમાં જબરો ઉછાળો નોંધાશે તેનો સંકેત મળી ગયા છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદની ઓળખ બની ગયેલા SG હાઇવે પર કર્ણાવતી કલબની સામેના સર્વિસ રોડ બાદનો એક 25000 ચોરસવારના ખુલ્લા પ્લોટનો સોદો 500 કરોડમાં થયો છે. આ ખુલ્લા પ્લોટ પર 1,000 કરોડના કુલ ખર્ચે એક ભવ્ય અને આઇકૉનિક પ્રોજેક્ટ બનાવવાની યોજના છે. ડેવલપર અહીં ફાઇવ સ્ટાર હૉટેલ-કમ-કોમર્શિયલ પ્રોજેક્ટ બનાવશે, જેમાં અંદાજે 20-22 લાખ ચોરસ ફૂટનું કન્સ્ટ્રક્શન કરવામાં આવશે. આ પ્રોજેક્ટમાં 4-સ્ટાર કૅટેગરીના સર્વિસ અપાર્ટમેન્ટનો પણ સમાવેશ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ માટે હૉટેલ પોલિસી હેઠળ મંજૂરી મેળવવામાં આવી છે, જે ન્યૂનતમ 4 FSI (ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ) આપે છે.
રિપોર્ટ મુજબ, આ પ્રોજેક્ટમાં 125થી 200 રૂમ ધરાવતી એક ફાઇવ સ્ટાર હોટલ ઊભી કરાશે. આ પ્રોજેક્ટને આંતરરાષ્ટ્રીય સ્તરનો લેન્ડમાર્ક બનાવવા માટે એક આંતરરાષ્ટ્રીય આર્કિટેક્ટ ફર્મને હાયર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. હાલમાં અમદાવાદ અને ગાંધીનગરમાં સંયુક્ત રીતે જુદા જુદા સ્ટારની 10 હજાર હોટલો આવેલી છે, પરંતુ તેમાં ફાઇવ સ્ટાર કક્ષાના ફક્ત 4000 રૂમ જ ઉપલબ્ધ છે. ડેવલપરે જણાવ્યું કે આ પ્રોજેક્ટની ઊંચાઈ અંદાજે 22 માળથી વધુ નહીં હોય અને સૌથી મહત્ત્વની વાત એ છે કે આ પ્રોજેક્ટ CWG 2030ના એક વર્ષ પહેલાં તૈયાર થઈ જવાની સંભાવના છે.
કોરોના પછીના સમયગાળામાં પ્રતિ ચોરસ વારની કિંમત 1.25 લાખથી 1.5 લાખ આંકવામાં આવતી હતી, તેના સ્થાને પ્રતિ ચોરસ વાર 2 લાખ જેટલી કિંમત રેસિડેન્શિયલ-3 ઝોનમાં થયેલો ઊંચો ભાવનો સોદો અભૂતપૂર્વ માનવામાં આવે છે. નોંધનીય છે કે ત્રણ વર્ષ પહેલાં આ ઝોનમાં જમીનના ભાવ લગભગ 1 લાખ પ્રતિ ચોરસ વાર હતા, એટલે કે આ સોદામાં કિંમતોમાં 100% નો વધારો દર્શાવ્યો છે.


