ગાંધીનગર : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. 4 માર્ચ 2026ના દિવસે ધુળેટીનો જાહેર રજા દિવસ હોવા છતાં બોર્ડે ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ ગોઠવવાથી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં નારાજગી ફેલાઈ છે.સમયપત્રક પ્રમાણે 4 માર્ચના રોજ ધુળેટીની જાહેર રજા હોવા છતાં પેપરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના કારણે વાલીઓ અને વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મૂકાયા હતા. હવે શિક્ષણ બોર્ડ દ્વારા આ ભૂલને સુધારી લેવામાં આવી છે. શિક્ષણ વિભાગે બોર્ડની પરીક્ષાની તારીખ બદલી હોવા અંગે પરિપત્ર જાહેર કર્યો છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10નું સામાજિક વિજ્ઞાનનું પેપર, ધોરણ 12 સાયન્સનું જીવ વિજ્ઞાન (બાયોલોજી) પેપર તેમજ ધોરણ 12 સામાન્ય પ્રવાહનું અર્થશાસ્ત્રનું પેપર એ દિવસે રાખવામાં આવ્યું હતું. જાહેર રજાના દિવસે પરીક્ષા ગોઠવાતા વિદ્યાર્થીઓએ તે સામે અસંતુષ્ટી વ્યક્ત કરી હતી.ધુળેટીની જાહેર રજાના દિવસે જ બોર્ડની પરીક્ષાનું પેપર લેવાનું આયોજન કરવામાં આવતાં વિદ્યાર્થીઓ અને વાલીઓ અસમંજસની સ્થિતિમાં મુકાઈ ગયા છે. રંગોના તહેવારના દિવસે જ બોર્ડની પરીક્ષાનું પેપર લેવાનું આયોજન કરવામાં આવતાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ચિંતામાં મુકાયા છે.
શિક્ષણ વિભાગે જાહેર કરેલા પરિપત્ર પ્રમાણે ધુળેટીના 4 માર્ચના રોજ આયોજન કરાયેલા ધોરણ 10-12ની પરીક્ષાના પેપર માટે અન્ય તારીખ જાહેર કરવામાં આવી છે. 4 માર્ચે આયોજન કરાયેલું પેપરના ફેરફારની વાત કરવામાં આવે તો, ધોરણ 10નું 4 તારીખનું સામાજિક વિજ્ઞાનનું પેપર હવે 18 માર્ચે લેવાશે.

ધોરણ 12માં 4 માર્ચનું નામાના મૂળતત્વોનું પેપર 17 માર્ચે લેવાશે, જ્યારે ઇતિહાસ/જીવવિજ્ઞાન/કૃષિ રાસાયણશાસ્ત્ર/અર્થશાસ્ત્ર અને વાણિજ્ય સંચાલન/સામાજશાસ્ત્ર/ પદાર્થવિજ્ઞાન અને ગણિતશાસ્ત્રનું પેપર 18 માર્ચે લેવાશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 4 તારીખનું પેપર 16 માર્ચે લેવાશે. સંસ્કૃત પ્રથમનું પેપર 16 માર્ચે લેવાશે.
આ વર્ષે બોર્ડની પરીક્ષાઓ ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે. ફેબ્રુઆરીના છેલ્લા સપ્તાહમાં ગુજરાત બોર્ડની પરીક્ષાઓ શરૂ થવાની છે. આ પરીક્ષાઓ 16 માર્ચે પૂર્ણ થવાની છે. પહેલા ટાઈમટેબલમાં 4 માર્ચે જાહેર રજાના દિવસે પેપર ગોઠવી દેવામાં આવ્યું હતું. પરંતુ હવે જે સુધારેલો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. બોર્ડે ભૂલ સુધારી અને બોર્ડની પરીક્ષા 18 તારીખ સુધી લંબાવી છે તેમજ 4 તારીખની પરીક્ષા અન્ય તારીખોમાં સેટ કરતા વિદ્યાર્થીઓ ખુશ થયા હતાં.


