અમદાવાદ : શહેરમાં પોલીસની ખાખી વર્દી શર્મસાર કરતી વધુ એક શરમજનક ઘટના સામે આવી છે. અમદાવાદના પાલડી વિસ્તારમાંથી પોલીસના હેડ કોન્સ્ટેબલે સામાન્ય બોલાચાલીમાં એક યુવતીને લાફો મારી દીધો હતો, મહિલાને એટલી હદ સુધી લાફા માર્યા હતા કે તેમના આંખ પર લોહી નીકળવા લાગ્યું હતું. આ અંગે મહિલા જ્યારે પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા પહોંચી ત્યારે પાલડી પોલીસ સ્ટેશનના પીએસઆઇ અને પીઆઇએ મહિલાની ધમકાવીને ફરિયાદ લેવાની ના પાડી હતી છતાં મહિલા મોડી રાત સુધી પોલીસ સ્ટેશનમાં બેઠી અને અરજી આપી હતી.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ભોગ બનનાર યુવતીએ અરજી આપી છે તે મુજબ વાસણામાં રહેતી બંસરી ઠક્કર નામની મહિલા ગઈકાલે(19 ડિસેમ્બર) સાંજે 6:30 વાગે ચાર રસ્તા સિગ્નલ ક્રોસ કરતા હતા. તે દરમિયાન પાલડી ભઠ્ઠા પાસે ટ્રાફિક પોલીસ કર્મચારીએ તેમને રોકીને લાઇસન્સ માગ્યું હતું.યુવતીએ પોતાનું વાહન સાઈડમાં ઊભું રાખી લાયસન્સ બતાવવાની તૈયારી દર્શાવી હતી, ત્યારે ટ્રાફિક પોલીસે યુવતી સાથે બોલાચાલી શરૂ કરી હતી.સામાન્ય બોલાચાલી બાદ જ્યારે યુવતીએ સાવચેતીના ભાગરૂપે પોલીસકર્મી પાસે તેનું આઈ કાર્ડ (ઓળખપત્ર) માગ્યું ત્યારે આ વિવાદની શરૂઆત થઈ હતી.
આ મામલે યુવતીના આક્ષેપ મુજબ પોલીસકર્મીએ આઈ કાર્ડ બતાવ્યું ખરું, પરંતુ પરત લેતી વખતે તે નીચે પડી ગયું હતું. આથી પોલીસકર્મી એકાએક ઉશ્કેરાઈ ગયો હતો અને યુવતીને નીચે પડેલું કાર્ડ ઉઠાવી તેના હાથમાં આપવા માટે દબાણ કરવા લાગ્યો હતો. દરમિયાન બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા મર્યાદા ઓળંગીને પોલીસ હેડ કોન્સ્ટેબલે યુવતીને જોરદાર લાફો ઝીંકી દીધો હતો.
બાદમાં પાલડી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી, ત્યારે પીડિત યુવતી પુરાવા રૂપે પોલીસકર્મીએ માર માર્યોનો વીડિયો રજૂ કર્યો હતો, ત્યારે પોલીસ તેને ઉપાડીને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. જ્યાં પોલીસ સ્ટેશનમાં તેને કલાકો સુધી બેસાડી રાખવામાં આવી હોવાનો પીડિત યુવતીએ પોલીસ પર ગંભીર આક્ષેપ કર્યો છે, વધુમાં તેને પોલીસ પર આરોપ મૂક્યા છે કે, તેની ફરિયાદ નોંધવામાં આવી નથી.
આઘાતજનક બાબત તો એ છે કે, જ્યારે ભોગ બનનાર મહિલા પોતાની સાથે થયેલા અન્યાય બદલ ફરિયાદ કરવા માટે પાલડી પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી, ત્યારે ત્યાં તેની ફરિયાદ પણ લેવામાં આનાકાની કરવામાં આવી હતી. પોલીસ સ્ટેશનની અંદર જ પોલીસકર્મી દ્વારા મહિલા સાથે થયેલા આ દુર્વ્યવહારને કારણે પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે. આ મામલે ઉચ્ચ અધિકારીઓ શું પગલાં લે છે તે જોવું રહ્યું.


