અમદાવાદ : ગાંધીનગર અને ઈન્દોરમાં દૂષીત પાણીના કારણે ફાટી નીકળેલા રોગચાળાને ધ્યાનમાં લઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને મોટો નિર્ણય લીધો છે. જેમાં મ્યુનિ.એ નક્કી કરેલા 24 હોટ સ્પોટ વિસ્તારની પાણીની લાઈનો રૂ.300 કરોડના ખર્ચે બદલાશે. પાણીની શુદ્ધતા જાળવવા માટે પીવાના પાણી અને ડ્રેનેજ લાઈનો વચ્ચે પૂરતું અંતર રાખવામાં આવે તે પણ સુનિશ્ચિત કરવામાં આવશે.
આ ઉપરાંત શહેરમાં પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર (પીવાના પાણીના પાઉચ/બોટલ) થકી ફેલાતાં રોગચાળાને ડામવા મ્યુનિસિપલ હેલ્થ અને ફૂડ વિભાગે પાણીન કેરબા તથા જગનો ધંધો કરનારાઓને ક્લોરિન ડોઝર ઇન્સ્ટોલ કરવા અને પાણીમાં ફરજિયાતપણે ક્લોરિન મિક્સ કરવા સૂચના આપવામાં આવી હતી.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, તાજેતરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ શહેરના 170 પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર સપ્લાયર્સ સાથે બેઠક યોજી હતી. એતંત્ર ટાઇફોઇડ, કમળો, ઝાડા-ઉલ્ટી અને કોલેરા જેવા પાણીજન્ય રોગોને રોકવા અને નિયંત્રિત કરવા માટે વિવિધ પગલાં લઈ રહ્યું છે. પાણીના નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે, તેમજ ક્લોરિન ટેબ્લેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જાહેર આરોગ્ય સાથે ચેંડાં કરનારાઓ સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવી છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, પાણીના સપ્લાયર્સને પાણી શુદ્ધ કરવા અને ક્લોરિનેશન કરવા માટે કહેવામાં આવ્યું છે. તેઓએ દરરોજ ક્લોરિન લેવલ તપાસવું પડશે અને સાધન-સામગ્રીની સફાઈ રાખવી પડશે. નિયમોનું પાલન ન કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. તેમણે વધુમાં ઉમેર્યું કે, શહેરમાં દરેક પાણી વિતરણ સ્ટેશન પર ક્લોરિન ટેસ્ટિંગ કરવામાં આવે જ છે, પરંતુ હવે ઈ-કોલાઈ બેક્ટેરિયાની તપાસ માટે પણ વ્યવસ્થા કરવામાં આવશે.
આ વિસ્તારમાં આવે છે પાણીજન્ય રોગચાળાના સૌથી વધુ કેસ
બાપુનગર ગુજરાત હાઉસિંગ બોર્ડ
સુંદરમનગર
સરસપુરની શારદાબેન હોસ્પિટલ આસપાસનો વિસ્તાર
બહેરામપુરામાં બોમ્બે હોટલની આસપાસનો વિસ્તાર
અમરાઈવાડીમાં શિવાનંદનગર
ખોડિયારનગર
રામ રહીમનો ટેકરો
દાણીલીમડા વિસ્તારમાં જીતુભગત કંપાઉન્ડ
મજૂર ગામ
પરીક્ષિતલાલ નગર
સાકળચંદ મુખીની ચાલી
મિલ્લતનગર
સૈયદવાડી
વટવાગામ તલાવડી
નારોલ ગામ
ગોમતીપુરમાં નુરભાઈ દોભીની ચાલી
જમાલપુરમાં કાચની મસ્જિદ
રામોલમાં સુરતી ખાવડી


