અમદાવાદ : મેટ્રોસિટી અમદાવાદથી ફરી એકવાર ચોંકાવનારી ઘટના સામે આવી છે. વાસ્તવમાં શહેરમાં જાણે પોલીસનો કે કાયદાનો કોઈપણ પ્રકારનો ડર જ ના હોય તેવી સ્થિતિ બની છે. અમદાવાદના વાસણા વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે ફિલ્મી ઢબે તોડફોડના દ્રશ્યો સર્જાયા હતા. વાસણાના પ્રવીણનગર પાસે એક બ્રેઝા કારમાંથી ઉતરેલા ચાર શખ્સોએ થાર ગાડીને આંતરી હતી, જે બાદ લોખંડના પાઈપ અને ડંડા વડે તોડફોડ કરી વિસ્તારને બાનમાં લીધો હતો.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના વાસણા વિસ્તારમાં ગઈકાલે રાત્રે આશરે 12 વાગ્યાની આસપાસ સફેદ રંગની કારમાં આવેલા કેટલાક શખ્સોએ બ્લેક કલરની થાર કારને રસ્તા પર અટકાવી હતી. ત્યારબાદ અચાનક થાર કારના કાચ તોડવા લાગ્યા અને ભારે તોડફોડ કરી. આ સમગ્ર ઘટના દરમિયાન રસ્તા પર ટ્રાફિક જામ સર્જાયો હતો, જેના કારણે સામાન્ય નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો.સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે હુમલાખોરો કેટલા બેફામ હતા.
તોડફોડ દરમિયાન ચાલકની સુરક્ષા વિશે હજુ સુધી સ્પષ્ટ માહિતી મળી નથી, પરંતુ ફૂટેજમાં જોવા મળે છે કે થાર ચાલક હુમલાથી બચવાના પ્રયત્ન કરી રહ્યો હતો. તોડફોડ પૂર્ણ થયા બાદ ચારેય હુમલાખોર પોતાની સફેદ કારમાં બેસીને ઘટનાસ્થળેથી ઝડપથી ફરાર થઈ ગયા. હુમલો કોઈ અંગત અદાવતના કારણે કરવામાં આવ્યો હોય, પરંતુ જાહેર રસ્તા પર આ રીતે કાયદાને હાથમાં લેવું ગંભીર બાબત છે. ઘટના સમયે આસપાસના લોકોમાં ભયનું વાતાવરણ ફેલાઈ ગયું હતું.
પોલીસે ગાડીના નંબર ના આધારે આરોપીઓને ટ્રેસ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.આ હુમલો કોઈ જૂની અદાવતને કારણે થયો છે કે માત્ર રસ્તા પરની બોલાચાલી ની ઘટના છે, તે અંગે પોલીસ વધારે તપાસ હાથ ધરવામાં આવી છે.
ભરચક રહેતા વાસણા વિસ્તારમાં આ પ્રકારે ખાનગી વાહનમાં આવીને તોડફોડ અને અપહરણ જેવો પ્રયાસ થતા સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. કયા ઈરાદે કાર ચાલક પર ઘાતકી હુમલો કરવામાં આવ્યો? શું લૂંટ કે અપહરણનો હતો પ્રયાસ? સવાલ અનેક છે.


