અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટેક્સ વસૂલાત માટે કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે આજે શહેરના પાલડી વિસ્તારમાં આવેલી જાણીતી પ્રભુદાસ ઠક્કર આર્ટ્સ અને કોમર્સ કોલેજને સીલ કરવામાં આવતા શૈક્ષણિક જગતમાં ખળભળાટ મચી ગયો છે. લાખો રૂપિયાનો ટેક્સ બાકી હોવાને કારણે તંત્રએ આ આકરૂં પગલું ભર્યું છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રોપર્ટી ટેક્સની વસૂલાતને લઈ શહેરમાં સિલિંગ કાર્યવાહી કરવામાં આવી રહી છે, આ કોલેજ દ્વારા લાંબા સમયથી પ્રોપર્ટી ટેક્સ ભરવામાં આવ્યો નહોતો. કોલેજ વહીવટી તંત્ર પાસે કુલ 11 લાખ 77 હજાર રૂપિયા જેટલી માતબર રકમનો ટેક્સ લેણો નીકળતો હતો. વારંવાર નોટિસ આપવા છતાં ટેક્સની ભરપાઈ ન થતા અંતે એએમસીની ટીમે કોલેજ પરિસર પહોંચીને મુખ્ય દરવાજે સીલ મારી દીધું હતું.
હાલ યુનિવર્સિટીની હોલ ટિકિટ વિતરણ પ્રક્રિયા ચાલી રહી છે, તે દરમિયાન જ કોલેજ સીલ થવાથી વિદ્યાર્થીઓ અટવાઈ પડ્યા છે. મધ્યસત્ર દરમ્યાન લેવાયેલ આ પગલાંથી વિદ્યાર્થીઓના અભ્યાસ પર સીધી અસર પડી રહી હોવાનું જણાવવામાં આવ્યું છે.
આ મામલે કોલેજના અધ્યાપક મંડળે AMC તંત્ર સમક્ષ રજૂઆત કરી છે અને વિદ્યાર્થીઓના હિતમાં તાત્કાલિક શૈક્ષણિક કોલેજનું સીલ ખોલવાની માંગ કરી છે. શિક્ષણ સંસ્થાને સીલ કરવાના નિર્ણયને લઈને શહેરના શૈક્ષણિક વર્તુળોમાં પણ ચર્ચા જોર પકડી રહી છે.


