અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રેવન્યુ કમિટીની બેઠકમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. 5 લાખથી વધુનો બાકી ટેક્સ હોય એવા કોમર્શિયલ એકમો માટે ખાસ નિર્ણય લેવામાં આવ્યો છે. સિબિલ સ્કોર સાથે આવી કોમર્શિયલ મિલકતોને જોડવા પ્રક્રિયા શરૂ કરાવા આદેશ આપવામાં આવ્યા છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રેવન્યુ વિભાગના ચેરમેન જૈનિક વકીલે જણાવ્યું હતું કે, મ્યુનિસિપલ કોર્પોરેશન ટેક્ષ વિભાગ બાકી કરદાતાઓ સાથે કડક પગલા ભરશે. કોમર્શિયલ એકમો સામે ટેક્ષ બાકી હશે તો કાર્યવાહી કરાશે. સિબિલ સ્કોર ઓછો હોય એવા એકમોને બેંકો તરફથી ધિરાણ મેળવવામાં મુશ્કેલ થતી હોય છે. 5 લાખથી વધુ બાકી પ્રોપર્ટી ટેક્સવાળી મિલકતોને સાણસામાં લેવા મ્યુનિસિપલ કોર્પોરેશનએ કવાયત હાથ ધરી છે. હાલ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચોપડે 5.50 લાખ નોંધાયેલી કોમર્શિયલ મિકલતો છે. જે પૈકી અંદાજે 1000થી 1500 જેવી મિલકતોમાં 5 લાખથી વધુનો ટેક્સ બાકી છે. જેમની સામે હવે મ્યુનિસિપલ કોર્પોરેશન કાર્યવાહી શરૂ કરશે. આ ઉપરાંત જો આ કામગીરીમાં સફળતા મળશે તો ભવિષ્યમાં બીજી અન્ય મોટી કાર્યવાહી પણ કરવામાં આવશે.
વધુમાં ચેરમેન જૈનિક વકીલે જણાવ્યું હતું કે, મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રને ચાલુ નાણાંકીય વર્ષમાં ટેક્સની તોતિંગ આવક થઇ છે. પાછલા વર્ષની સરખામણીમાં આ વર્ષે 14 સપ્ટેમ્બર સુધીમાં 130 કરોડની વધુ આવક થઈ છે. પ્રોપર્ટી, પ્રોફેશનલ અને વ્હિકલ ટેક્સ મળી મોટી આવક થઇ છે. અમૃત મહોત્સવ યોજના હેઠળ પણ 22000 લોકોએ લાભ લીધો હતો. 29 કરોડની આવક થઈ, જયારે 5 કરોડનું રિબેટ અપાયું છે.