અમદાવાદ : AMC દ્વારા હિટ એકશન પ્લાન અંતર્ગત અમદાવાદ શહેરમાં આવેલા 283 બગીચા રાત્રિના 11 કલાક સુધી લોકો માટે ખુલ્લા રાખવા નિર્ણય કરવામાં આવ્યો છે.શહેરમાં રેડ એલર્ટ જાહેર થાય એ સમય દરમિયાન તમામ કન્સ્ટ્રકશન સાઈટ બપોરે 12 થી 4 કલાક સુધી એસ્ટેટ વિભાગ દ્વારા બંધ રખાવાશે.
AMC દ્વારા હવામાન વિભાગ સાથે સંકલન કરી દૈનિક ધોરણે પાંચ દિવસના તાપમાન અંગે પૂર્વાનુમાન મેળવી વિવિધ માધ્યમની મદદથી લોકોને માહિતગાર કરવામા આવે છે.તમામ અર્બન હેલ્થ સેન્ટર તથા કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે તેમજ આંગણવાડીઓ ખાતે ORS ઉપલબ્ધ કરાવાયા છે.વિવિધ વિસ્તારોમાં સ્વૈચ્છીક સંસ્થાઓના સહયોગથી પાંચસો પાણીની પરબ શરુ કરવામા આવી છે.
31 AMTS ડેપો ઉપરાંત BRTS બસશેલ્ટર ઉપર પીવાના પાણીની વ્યવસ્થા તંત્ર તરફથી કરાઈ છે.દસ લાખ જેટલા ORS પેકેટનુ વિતરણ ઉનાળાની મોસમમાં કરાશે. મ્યુનિ.હોસ્પિટલ ઉપરાંત કોમ્યુનિટી હેલ્થસેન્ટર ખાતે ગરમીને લગતી બિમારી તેમજ હિટસ્ટ્રોકના કેસના દર્દીઓને સારવાર આપવા અલાયદી વ્યવસ્થા તંત્રે કરી છે.આંગણવાડી સવારે 11 કલાક સુધી જયારે તમામ અર્બન હેલ્થ સેન્ટર સાંજે સાત કલાક સુધી ખુલ્લા રખાશે.સફાઈ કામદારોનો સમય બપોરે ત્રણ કલાકની જગ્યાએ સાડા ચાર કલાક સુધીનો કરાશે.