અમદાવાદ : શહેરના હાર્દ સમા 132 ફુટ રીંગ રોડ પર વિવિધ વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી અનેક સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં હોવાથી અંધારપટ્ટ જેવી સ્થિતિ પ્રવર્તે છે. જો આ સ્ટ્રીટ લાઈટો સત્વરે ચાલુ કરવામાં નહીં આવે તો જાગૃત યુવાન દ્વારા આંદોલન અને કોર્ટ કેસ કરવાની ચીમકી આપી છે.
પ્રાપ્ત વિગતો મુજબ શહેરના હાર્દ સમા એટલે એરપોર્ટથી આવતા મુસાફરો માટે એન્ટ્રી સમાન RTO થી અખબારનગર સર્કલ અને નારણપુરામાં પલ્લવ ચાર રસ્તા સુધી સ્ટ્રીટ લાઈટો મોટાભાગની છેલ્લાં ઘણાં સમયથી બંધ હાલતમાં જોવા મળી રહી છે.અને જે ચાલું હાલતમાં છે એ પણ નામ પુરતી ચાલું છે, મતલબ ચાલું સ્ટ્રીટ લાઈટોથી પ્રકાશ કે અજવાળામાં કોઈ જાજો ફરક પડતો નથી.એમાંય ખાસ કરીને નવા વાડજ વિસ્તારમાં ભાવસાર હોસ્ટેલથી વ્યાસવાડી જવાના માર્ગ પર સ્ટ્રીટ લાઈટો એક મહિનાથી વધુ સમયથી બંધ હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.આ ઉપરાંત નારણપુરામાં પ્રગતિનગર-પલ્લવબ્રીજ પાસે બ્રીજનું કામ બંધ હોવાને કારણે છેલ્લાં બે-ચાર મહિનાથી સ્ટ્રીટ લાઈટો બંધ હોવાની સ્થાનિકો ફરિયાદ કરી રહ્યા છે.
છેલ્લા ઘણા સમયથી ઉપરોકત વિસ્તારોમાં અંધારપટ છવાયેલો રહે છે, મુખ્ય માર્ગ હોવાથી રાત-દિવસ ધમધમતો હોય છે, ખાસ કરીને રાતે મોટી સંખ્યામાં લોકો ઉપયોગ કરતા હોય છે, હજુ સુધી અંધારાનો લાભ લઈ કોઈ એવો બનાવ બન્યો નથી, પરંતુ લોકોની સેફટી માટે તમામ સ્ટ્રીટ લાઈટો ચાલુ થાય એમાં જ લોકોનું હિત સમાયેલ છે.
અમદાવાદ મ્યુ કોર્પોરેશન દ્વારા થોડાક વર્ષો પહેલા વીજળી બચત અભિયાનના ઓઠા હેઠળ સમગ્ર શહેરની ચાલુ સ્ટ્રીટ લાઈટો, સોડીયમ લાઈટો રાતોરાત ઉતારી નાખવામાં આવી તે સ્ટ્રીટ લાઈટો, સોડીયમો ક્યાં પગ કરી ગઈ તે આજ દિન સુધી કોર્પોરેશન દ્વારા જણાવવામાં આવ્યું નથી તેની જગ્યાએ ઓછો પ્રકાશ ફેલાવતી એલઈડી લાઈટો નાખવામાં આવી હતી.