અમદાવાદ : AMCના આરોગ્ય વિભાગના અધિકારીઓએ અમદાવાદમાં આવેલી ખાણી-પીણીના એકમો પર દરોડા પાડ્યા હતા. જે એકમો લાયસન્સ વગર અથવા તેઓ રજિસ્ટ્રેશન કર્યા વગર ધંધો કરતા હોય તેવા એકમોને સીલ કરવામાં આવ્યા હતા. AMCના હેલ્થ વિભાગનાં ડેઝિગ્નેટેડ ઓફિસર ભાવિન જોષીના માર્ગદર્શન હેઠળ શહેરના અલગ-અલગ ઝોનના વોર્ડ વિસ્તારમાં ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા ફૂડ એન્ડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ 2006 અન્વયે ખાદ્ય ધંધાકીય એકમોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું.
AMC ની ફૂડ ડિપાર્ટમેન્ટની ટીમ દ્વારા અમદાવાદના ઠક્કરનગરના દેવર્સ ફુડ્સ, શક્તિ ધ સેન્ડવીચ લાયસન્સ વગર ધંધો કરતું હોવાનું સામે આવતાં સીલ કરવામાં આવ્યું હતું. આ સિવાય ઈન્દ્રપુરી વોર્ડમાં શક્તિ પરોઠા હાઉસ, સેટેલાઈટમાં જય આશાપુરા ટી એન્ડ ફાસ્ટ ફૂડને સીલ કરવામાં આવ્યું છે. ત્યારબાદ નવરંગપુરાનું સ્વામિનારાયણ ડાયનિંગ હોલ, નવરંગપુરાનું ચાઈ-સુટ્ટા બાર, નવરંગપુરાના ડી મિસ્ટીરિયલ કિચન, નારણપુરાની લક્ષ્મી પાણીપુરી, દરિયાપુરની મારુતિનંદનને સીલ મારવામાં આવ્યું છે.
આ ઉપરાંત જોધપુર સ્વીટ એન્ડ નમકીન, નવા વાડજ વિસ્તારનું ગોપી ઉદ્યોગ ચવાણા કેન્દ્ર, શાહપુર વોર્ડમાં સદાબહાર નમકીન હાઉસ, આસ્ટોડિયા દરવાજા પાસે આસ્ટોડિયા અડદની જલેબી-દાળવડાં, નારણપુરાના સરદાર પટેલ શોપિંગ સેન્ટર પર યાર મેરા કુલ્લડને સિલ કરવામાં આવ્યું છે.આ તમામ પાસે લાયસન્સ નહોતું અથવા તેઓ રજિસ્ટ્રર કર્યા વગર ધંધો કરતા હોવાથી સીલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત કેટલાક સ્થળ પર હાઈજેનિક કન્ડિશન સારી ન હોવી અને વીતી ગયેલી તારીખનો માલ રાખતા હોવાનું પણ સામે આવ્યું છે.
આ ઉપરાંત અલગ અલગ વોર્ડમાં બરફ, ગોલા, શેરડીનો રસ, મેંગો મિલ્ક શેક, પાણીપુરી વાળી જગ્યાઓ, હોટલ અને રેસ્ટોરન્ટનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન લાયસન્સ વગર અથવા રજિસ્ટ્રેશન કર્યા વગર ધંધા કરતા એકમો સીલ કરીને અથવા બંધ કરવા સુધીના કડક પગલાં ભરવામાં આવ્યા હતા.