અમદાવાદ : આજે (28 મે) ધીરેન્દ્ર શાસ્ત્રી અમદાવાદમાં આવનાર છે અને તેઓનો દિવ્ય દરબાર 29 અને 30 મેના રોજ અમદાવાદમાં ભરાવાનો છે. પરંતુ હાલ એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. ભારે વિવાદ બાદ છેલ્લી ઘડીએ અમદાવાદમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમનું સ્થળ બદલાયું છે. પહેલા ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમનું સ્થળ ચાણક્યપુરી રાખવામાં આવ્યું હતું, પરંતુ હવે ઓગણજ ખાતે બાબાનો કાર્યક્રમ યોજાશે. એસપી રિંગ રોડ ઓગણજ ખાતે બાબાનો દિવ્ય દરબાર યોજાશે.
અમદાવાદમાં યોજાનારા બાબા બાગેશ્વરધામના પીઠાધીશ ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારનું સ્થળ બદલવામાં આવ્યુ છે. પહેલા બાબાનો દિવ્ય દરબાર ચાણક્યપુરી ખાતે યોજાવાનો હતો પરંતુ હવે દિવ્ય દરબારના સ્થળમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જે હવે ઓગણજ મેદાન ખાતે યોજાશે. જ્યાં પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ યોજાયો હતો ત્યાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાશે.
તમને જણાવી દઈએ કે, અમદાવાદના ચાણક્યપુરીમાં દિવ્ય દરબારને લઈ ડોમ તૈયાર કરવામાં આવ્યો હતો. જેમાં ભક્તો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. દિવ્ય દરબારના આયોજકો દ્વારા પાસ વિતરણ પણ કરવામાં આવ્યું છે. જગ્યાની ક્ષમતા પ્રમાણે લોકોને એન્ટ્રી આપવામાં આવશે તેવી પણ અગાઉ વાત થઈ હતી. દિવ્ય દરબારમાં જે લોકો પાસે પાસ હશે તેમને જ એન્ટ્રી આપવામાં આવનાર હતી.
આ અગાઉ ચાણક્યપુરીમાં યોજાનારા બાબાના કાર્યક્રંમે લઈને પોલીસ અને આયોજકો સામસામે આવ્યા હતા. જ્યા પોલીસે કાર્યક્રમ સ્થળે લોકોની વ્યવસ્થાને લઈને અણીના સમયે જ સવાલ ઉઠાવ્યા હતા. કાર્યક્રમને આડે માત્ર એક દિવસ જ બાકી છે ત્યારે પોલીસ દ્વારા વ્યવસ્થાને લઈને કાર્યક્રમનું સ્થળ બદલવા તાકીદ કરાઈ હતી.
ધીરેન્દ્ર શાસ્ત્રી આજે 28મીએ અંબાજી દર્શન કરવા માટે જશે. તેઓ હેલિકોપ્ટરમાં અંબાજી જશે. અંબાજીમાં ધીરેન્દ્ર શાસ્ત્રી પૂજા આરતીનું આયોજન કરવામાં આવ્યું છે. તેઓ બપોરે 1 વાગ્યે ઈસ્કોન અંબે વેલી અંબાજીમાં વિશ્રામ કરશે. અંબે વેલીમાં ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. ધીરેન્દ્ર શાસ્ત્રી કોટક હાઉસમાં રાત્રી રોકાણ કરશે.