અમદાવાદ : અમદાવાદમાં વરસી રહેલા વરસાદ વચ્ચે અકસ્માતની એક દુઃખદ ઘટના પ્રકાશમાં આવી છે. શહેરનાં આંબાવાડી વિસ્તારમાં પરિમલ ગાર્ડન પાસે અકસ્માતની ઘટના સામે આવી છે. પરિમલ ગાર્ડન પાસે આવેલા પાસે અંડરપાસમાં વરસાદના કારણે એક્ટિવા લઈને જતો યુવક અચાનક બેલેન્સ ગુમાવતા નીચે પટકાયો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ પરિમલ ગાર્ડન પાસે આવેલા પાસે અંડરપાસમાં વરસાદના કારણે એક્ટીવા સ્લીપ થતા પાછળ આવી રહેલી પીકઅપ વાન તેની ઉપર ચડી જતા એકટીવા ચાલકનું ઘટનાસ્થળે મોત નિપજ્યું છે. અકસ્માતની ઘટનાને પગલે લોકોના ટોળેટોળાં એકઠા થઈ ગયા હતા, અકસ્માતમાં નૈમિલ શાહ નામના યુવકનું સ્થળે જ મોત નિપજ્યાનું જાણવા મળ્યું છે. હાલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી રહી છે.
મહત્વનું છે કે, હવામાન વિભાગની પાંચ દિવસની આગાહી વચ્ચે અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ શરુ થયો છે. એસજી હાઈવે પર સોલા, ગોતા, હાઈકોર્ટ, સાયન્સ સિટી સહિતના વિસ્તારમાં વરસાદ પડતા ઠેર-ઠેર ટ્રાફિકજામ થયો છે. બીજી તરફ વાડજ રાણીપ, સોલા, આશ્રમ રોડ પર પણ ઝરમર વરસાદ વરસી રહ્યો છે. આજે અમદાવાદ સહીત અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી છે.