અમદાવાદ : હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદમાં મોડી રાત્રે વાતાવરણમાં પલટો આવ્યો હતો. અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસોના ઉકળાટ બાદ બુધવારે મોડી રાત્રે ભારે પવન અને વીજળીના કડાકાભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. જેના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને છેલ્લા કેટલાય દિવસોથી બફારાથી ત્રસ્ત બનેલા લોકોને રાહત મળી હતી.
અમદાવાદમાં મોડી રાત્રે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને જોતજોતામાં ગાજવીજ સાથે વરસાદ પડવાનો શરૂ થઈ ગયો હતો. શહેરના એસજી હાઈવે, બોડકદેવ, સેટેલાઈટ, નવરંગપુરા, આશ્રમ રોડ, જૂના વાડજ, રાયપુર, કાલુપુર, રિલીફ રોડ, રાણીપ, ન્યૂ રાણીપ, ચાંદખેડા, મોટેરા, ગાંધીનગર હાઈવે, ઘાટલોડિયા, બાપુનગર, નરોડા, વસ્ત્રાલ સહિતના ઘણા વિસ્તારોમાં વીજળીના કડાકા અને વાદળોના ગડગડાટ સાથે વરસાદ પડ્યો હતો. જેના પગલે નીચાળવાળા વિસ્તારો અને ઘણા રસ્તાઓ પર પાણી ભરાવવાનું શરૂ થઈ ગયું હતું.
હવામાન વિભાગે આજે ( 6 જુલાઈ ), 7 જુલાઈ અને 8 જુલાઈના રોજ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદી માહોલની આગાહી કરવામાં આવી છે.