અમદાવાદ : અમદાવાદમાં રાત્રે યુવાનો માટે મોજશોખ કરવાનું સ્થળ બની ગયેલા સિંધુભવન રોડ પર અનેક વખત નબીરાઓ પોતાના બાપના પૈસે તાઇફા કરવા નીકળી પડે છે અને લોકોના જીવ પણ જોખમમાં મૂકે છે. આવી જ એક ઘટના તાજેતરમાં પોલીસ સમક્ષ આવતાં તેમણે નબીરાઓને સબક શિખવાડવા માટે અને કાયદાનું ભાન કરાવવા માટે એક અનોખી જ રીત અપનાવી છે. આ નબીરાઓને એક બોર્ડ પકડાવીને ઊઠકબેઠક કરાવી સમજાવ્યું હતું કે આ રોડ તેમની માલિકીનો નથી.
પ્રાપ્ત વિગતો મુજબ ગત ફેબ્રુઆરીમાં સ્ટંટનો જે વીડિયો વાયરલ થયો હતો. જેને લઈ પોલીસે કાર્યવાહી તો કરી પરંતુ આ ઘટનામાં સંડોવાયેલો મુખ્ય આરોપી લાંબા સમયથી ફરાર હતો. આરોપીએ પોલીસ પકડથી દૂર રહેતા હાશકારો અનુભવ્યો હશે તેટલામાં જ પોલીસ તેના પર ત્રાટકી અને આરોપીની 4 મહિના બાદ ધરપકડ કરવામાં આવી.સ્ટંટ કરનાર આરોપી પકડાયા બાદ પોલીસે મુખ્ય આરોપી જાવેદ ખાનને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું.
ચાર કાર રોડ પર લઈ જઈ સ્ટંટ કરવામાં આવ્યો હતો. જે તમામ આરોપી ઝડપાયા બાદ મુખ્ય આરોપી પણ પોલીસની પકડમાં આવી ગયો છે. ઘટના સ્થળ પર આરોપીને લઈ જઈ પોલીસે આ આરોપીને ઉઠક બેઠક કરાવી અને માફી મંગાવી હતી. જોકે આરોપીને ગાડીની આગળ ઊભો રાખી બેનર પણ પકડાવવામાં આવ્યું અને તેમાં લખ્યું હતું, ‘ ગાડી મેરે બાપ કી હે પર રોડ નહીં’
પોલીસે તેને સાનમાં સમજાવ્યું હતું કે રોડ પોતાની માલિકીનો નથી અને લોકોના જીવ જોખમમાં મૂકવાનો તે લોકોને કોઈ જ હક નથી. હાલ આ ટપોરીને પોલીસે સબક શીખવાડી દીધો છે.