અમદાવાદ : શહેરના આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PSI નરેશદાન ઉમેદસિંહ ટાપરિયાને ACBએ 50 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા. PSI ટાપરિયાએ એક મહિલાના પતિને માર ન મારવા અને PASA હેઠળ કાર્યવાહી ન કરવા માટે 50 હજારની લાંચ માંગી હતી. આ મહિલાએ ACBને જાણ કરતા ACBએ PSI ટાપરિયાને 50 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદના પોષ વિસ્તાર એવા આનંદનગર પોલીસ સ્ટેશન હેઠળ આવેલ જોધપુર ગામ ચોકીમાં PSI નરેશદાન ટાપરિયાએ એક મહિલાના પતિ વિરુદ્ધ દાખલ થયેલા ગુનામાં 151 હેઠળ કાર્યવાહી કરી જામીન લેવડાવી માર નહિ મારવા અને પાસા નહિ કરવા 50 હજાર રૂપિયાની લાંચ માંગી હતી.આરોપીની પત્ની પાસે લાંચની માંગણી કરી હતી જે લાંચ આરોપીની પત્ની આપવા ઈચ્છતી નહોતી, જેથી ACB નો સંપર્ક કર્યો હતો.
ACB દ્વારા PSI ને રંગે હાથે પકડવા લાંચ આપવાનું છટકું ગોઠવવામાં આવ્યું હતું.આરોપીની પત્નીએ 50 હજાર રૂપિયાની લાંચની રકમ લઈને જોધપુર ગામ ચોકી પહોંચી હતી.જોધપુર ગામ ચોકીમાં જ PSI નરેશદાન લાંચ લેતા ACB એ ઝડપી લીધો હતો. ACB એ સમગ્ર મામલે PSI નરેશદાનની અટકાયત કરી ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.