અમદાવાદ : અમદાવાદમાં વર્ષો જૂની અનેક હાઉસીંગ સોસાયટીઓ અને ફ્લેટ જર્જરિત થઈ ગયા હોવાના કારણે તેના રિડેવલપમેન્ટ કરવાની તાતી જરૂરિયાત ઉભી થઈ છે.ત્યારે શહેરના નવા વાડજમાં વધુ બે હાઉસીંગ સોસાયટીઓમાં રિડેવલપમેન્ટની પ્રક્રિયા શરૂ થઇ છે, આ પહેલા નવા વાડજની એક માત્ર હાઉસીંગ સોસાયટી ઉત્સવ એપાર્ટમેન્ટમાં રીડેવલપમેન્ટની પ્રક્રિયા ચાલી રહી છે.
પ્રાપ્ત વિગતો મુજબ નવા વાડજમાં આવેલ નંદનવન એપાર્ટમેન્ટ અને વિશ્રામ પાર્ક ફ્લેટ રિડેવલપમેન્ટની પ્રક્રિયા શરૂ થઇ છે.ગત રવિવારે નંદનવન એપાર્ટમેન્ટમાં યોજાયેલ રીડેવલપમેન્ટ મામલે યોજાયેલ રહીશો સાથેની બેઠકમાં રીડેવલપમેન્ટનો નિર્ણય સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે આગામી દિવસોમાં સંમતિની પ્રક્રિયા શરૂ કરાશે, એવું નંદનવન એપાર્મેન્ટના પ્રમુખ વિનોદભાઈ ગઢવીએ જણાવ્યું હતું.
આ ઉપરાંત નંદનવન એપાર્ટમેન્ટની બાજુમાં આવેલ વિશ્રામ પાર્કમાં પણ અગાઉના રવિવારે યોજાયેલ બેઠકમાં રીડેવલપમેન્ટ જોડાવવું એવો નિર્ણય લેવાયો હતો, જો કે વિશ્રામ પાર્કમાં 90 ટકા સંમતિ હોવાનું પ્રમુખ નિતેશભાઈ શાહે જણાવ્યું હતું. તમને જણાવી દઈએ કે હાઉસીંગ બોર્ડ દ્વારા વિશ્રામ પાર્કનું ટેન્ડર 2020 બહાર પાડી બિલ્ડરની નિમણુંક કરવામાં આવી હતી. હવે વાતચીત આખરી તબક્કામાં હોઈ આગામી સમયમાં બિલ્ડર સાથે એમઓયુ થવાની શક્યતા છે.
તમને જણાવી દઈએ કે નવા વાડજ, નારણપુરા અને સોલા વિસ્તારમાં 90 થી વધુ હાઉસીંગ સોસાયટીઓ આવેલ છે જેમાં વર્ષો જૂની મોટાભાગની હાઉસીંગ સોસાયટીઓ જર્જરિત હાલતમાં છે. ગુજરાતમાં જર્જરિત હાલતમાં મુકાયેલાં હાઉસીંગ મકાનોના માલિકોને નવાં મકાનો મળે એવા હેતુસર ગુજરાત સરકાર અને તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા 2016માં રિડેવલપમેન્ટ સ્કીમ જાહેર કરાઈ હતી.