અમદાવાદ: રાજ્યની ACBની ટીમે અમદાવાદના વેજલપુરમાં આવેલી સબ-રજિસ્ટ્રારની કચેરીમાં છટકું ગોઠવીને સબ-રજીસ્ટ્રારને લાંચ લેતા ઝડપી લીધા હતા. અધિકારી તુલસીદાસ મારકણાએ દોઢ લાખ રુપિયાની રકમની માગણી કરી હતી અને તેને સ્વીકારવા જતાં તેઓ રંગે હાથ ઝડપાઈ ગયા હતા. ફરિયાદીને 30 જેટલા દસ્તાવેજ કરવાના હતા. જેની રકમ પેટે સબ-રજિસ્ટ્રાર અધિકારીએ દોઢ લાખ રુપિયાની માંગણી કરી હતી.
ACBની કચેરીમાં એક ફરિયાદીએ વિગતે ફરિયાદ કરી હતી કે વેજલપુર સબ રજીસ્ટ્રાર કચેરીના અધિકારી દ્વારા લાંચની રકમ દોઢ લાખ રુપિયા જેટલી માંગવામાં આવી છે. પોતે આ રકમ લાંચ પેટે સત્તાવાર સરકારી કામના આપવા ઈચ્છતા નથી. પોતાની માલિકીની મિલ્કતનો દસ્તાવેજ કરવો અને કરી આપવો એ પોતાનો અધિકાર છે, આમ છતાં દસ્તાવેજ સબ રજીસ્ટ્રાર કચેરીમાં કરવા દરમિયાન મોટી રકમ લાંચ પેટે માંગવામાં આવી રહી હતી.
આથી ACB સમક્ષ પોતાની ફરીયાદ કરતા મદદનીશ નિયામક ડો. દિવ્યા રવ્યા જાડેજાએ છટકાનુ આયોજન ગોઠવ્યુ હતુ. ગાંધીનગર ACBના પીઆઈ જેએન ગઢવી અને તેમની દ્વારા છટકુ સબ રજીસ્ટ્રારની કચેરીમાં ગોઠવ્યુ હતુ. આ દરમિયાન આરોપી સબ રજીસ્ટ્રાર તુલસીદાસ મારકણાએ દોઢ લાખ રુપિયાની રકમની માંગણી કરી હતી. આ લાંચ અંગેની વાતચીત કરીને લાંચની રકમ લેવા જતા જ રંગે હાથ છટકુ ગોઠવેલ અધિકારીઓએ ઝડપી લઈને કાર્યવાહી કરી હતી.
વધુ મળતી માહિતી મુજબ, ફરિયાદીને 30 જેટલા દસ્તાવેજ કરવાના હતા. આ દસ્તાવેજ કરવા માટે પ્રતિ દસ્તાવેજ દીઠ પાંચ હજાર રુપિયાની રકમ સબ-રજિસ્ટ્રાર તુલસીદાસે માગી હતી. આટલી મોટી રકમ દસ્તાવેજ નોંધણી જેવી કાર્યવાહી બાબતે માગવાને લઈને ફરિયાદીએ ACBનો સંપર્ક કર્યો હતો.