અમદાવાદ : અમદાવાદ શહેરમાં ફરી એકવાર શિક્ષકની ગરિમાને લાંછન લગાવતો કિસ્સો સામે આવ્યો છે. શહેરના ઈસનપુર વિસ્તારમાં રહેતી સગીરાને તેના ટયુશન કલાસીસના સંચાલકે એકલતાનો લાભ લઈ છેડછાડ કરી હતી એટલુ જ નહીં પોતાની કારમાં સગીરાને બેસાડી લો ગાર્ડન બાજુ લઈ ગયો હતો જયાં સગીરાનો ભાઈ આવી જતા સગીરા અને તેના ભાઈને માર માર જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ મામલે સગીરાની ફરિયાદ આધારે ઇસનપુર પોલીસે કલાસીસ સંચાલક વિરુદ્ધ પોકસો સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ શહેરના ઈસનપુર વિસ્તારમાં રહેતી સગીરા તેના ઘર નજીક આવેલા ખાનગી ટ્યુશન ક્લાસિસમાં ટ્યુશન લેવા માટે જતી હતી. આ ક્લાસિસના સંચાલક યુવકે શરૂઆતમાં સગીરાને વાતોમાં ફસાવવાનું ચાલું કર્યું હતું. ગત ઓગસ્ટ માસમાં ટ્યુશન કલાસ પૂરા થઈ ગયા હોવા છતાં બહાનું કાઢીને સગીરાને રોકી રાખી હતી અને ત્યારબાદ રૂમ બંધ કરી સગીરાની સાથે છેડછાડ કરી હતી. તેમજ કપડાં કાઢીને સગીરાની સાથે બળજબરીપૂર્વક શરીરસબંધ બાંધવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, સગીરાએ વિરોધ કરતા તેને છોડી દીધી હતી. આ ઘટના બાદ સગીરા સમસમી ગઈ હતી અને કોઈને વાત કરી નહોતી. જો કે આરોપી ટ્યુશન ક્લાસિસ સંચાલકે ત્યાંથી અટકવાના બદલે સગીરાને ફરી તાજેતરમાં તેના કલાસના એક રૂમમાં પકડીને ફરીથી શરીરસબંધ બાંધવાનો પ્રયાસ કર્યો હતો.
આ ઘટના બાદ સગીરાએ કલાસમાં જવાનું બંધ કર્યુ હોવા છતાં આરોપીએ તેને મળવા માટે દબાણ કર્યું હતું અને ગત શનિવારે વહેલી સવારે સગીરાને બળજબરીપૂર્વક તેના ઘરેથી બહાર આવવાનું કહીને કારમાં બેસાડીને લો ગાર્ડન વિસ્તારમાં લઈ ગયો હતો. આ તરફ સગીરાના ભાઈને તેની બહેનને કારમાં આરોપી લઈ ગયો હોવાની જાણ થતા તેણે કારનો પીછો કર્યો હતો અને લો ગાર્ડન પાસે તેને રોકી લીધો હતો. આ સમયે કલાસીસ સંચાલકે સગીરાને તેમજ તેના ભાઈને માર મારી ઈજા કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. અંતે સગીરાએ આ મામલે ઈસનપુર પોલીસ સ્ટેશનમાં આરોપી સંચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
આ અગાઉ થોડા સમય પહેલા દાણીલીમડા વિસ્તારમાં રહેતી એક સગીરાને પણ આ જ રીતે ખાનગી ટ્યૂશન સંચાલકે પોતાની વાસનાનો શિકાર બનાવી હતી. આ ઘટનામાં પણ આરોપીએ સગીરાને ધમકી આપી હતી અને તેની સ્કૂલમાં જઈ બળજબરીથી પોતાની બાઈક પર બેસાડવાનો પ્રયાસ કરતા લોકોએ તેને પકડીને સ્કૂલના પ્રિન્સીપાલને જાણ કરતા સગીરા સાથે દુષ્કર્મનો મામલો પ્રકાશમાં આવ્યો હતો.આ ઉપરાંત અમદાવાદના ચાંદખેડામાં વિદ્યાર્થિની સાથે અડપલા કરનાર નરાધમ શિક્ષકની ધરપકડ કરાઈ છે. ચાંદખેડા વિસ્તારમાં સોના ગ્રુપ ટ્યુશન ચલાવતા શિક્ષક પ્રકાશ સોલંકીએ ગુરુ શબ્દને લાંચન લગાવે તેવું કૃત્ય કર્યું છે.