અમદાવાદ : અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં પાકિસ્તાન અને ભારત વચ્ચે રમાનારી મેચનો ચાહકોમાં ભારે ક્રેઝ છે. વર્લ્ડકપનું શેડ્યૂલ જાહેર થયું ત્યારથી શહેરની હોટલોમાં બુકિંગ ફૂલ થઈ ગયું છે. ઘણી ફાઈવ સ્ટાર હોટલોમાં રૂમનું ભાડું 1 લાખ રૂપિયા સુધી પહોંચી ગયું છે. છતાં શહેરમાં 14મી ઓક્ટોબર દરમિયાન હોટલમાં રૂમ મળવા મુશ્કેલ થઈ ગયા છે. તો હવે હેરિટેજ હોમ સ્ટેની ડિમાન્ડ પણ શહેરમાં વધવા લાગી છે.
પ્રાપ્ત થતી વિગતો પ્રમાણે અત્યારે પોર્ટલ પર જે ઘરો રાખવામાં આવ્યા છે. તેના એક રાત સ્ટે કરવાના ભાવ 10 હજારથી શરૂ થઈને 60 હજારને પાર પહોંચી ગયા છે. એટલું જ નહીં આ ભાવ માત્ર 14 ઓક્ટોબર આસપાસના દિવસોનાં નથી. પરંતુ લગભગ આખો ઓક્ટોબર મહિનો અમદાવાદમાં આ પ્રમાણે સ્ટેની વધારે પ્રાઈઝ રેન્જ રહેશે એવું અનુમાન લગાવાઈ રહ્યું છે. ઓનલાઈન પોર્ટલ પર હવે અમદાવાદીઓ તેમની મિલકતોની યાદી કરવાનું શરૂ કરી દીધું છે. દાખલા તરીકે, 13-16 ઓક્ટોબર સુધી અમદાવાદમાં રહેવા માટે હોમસ્ટે લિસ્ટિંગ પ્લેટફોર્મ Airbnb પરની સર્ચ ક્વેરી ઓછામાં ઓછી 90 મિલકતો એપાર્ટમેન્ટ અથવા વિલા તરીકે સૂચિબદ્ધ દર્શાવે છે, જેમાંથી ઘણી નવી છે.
મોટી સંખ્યામાં શહેરમાંથી અમદાવાદીઓ પોતાના ઘર કે એપાર્ટમેન્ટમાં હોમ સ્ટેની સુવિધા આપીને ભારત-પાકિસ્તાન મેચમાંથી રોકડી કરવાનું પ્લાન કરી રહ્યા છે. તો હેરિટેજ પ્રોપર્ટીમાં પણ ભાડું વધારે જોવા મળી રહ્યું છે. સામાન્ય રીતે 6 થી 12 હજારમાં મળતા રૂમનું ભાડું હવે 10થી 60 હજાર સુધી થઈ ગયું છે. જે દર્શાવે છે કે આ મેચ માટે લોકોમાં કેટલો ક્રેઝ છે.