અમદાવાદ : અમદાવાદમાં યમદૂતની જેમ ચાલતી અને અમદાવાદીઓની જીવાદોરી સમાન AMTS બસની અડફેટે વધુ એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. શહેરના જુહાપુરા વિસ્તારમાં AMTS બસની અડફેટે મહિલાનું મોત નીપજ્યું છે. સમગ્ર ઘટના પગલે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં અવાર નવાર AMTS બસથી અકસ્માતની ઘટનાઓ વધી રહી હોય તેવુ જણાઈ રહ્યું છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે મંગળવારે બપોરના 4.45 વાગ્યાના સુમારે જુહાપુરા ચાર રસ્તાથી સરખેજ સર્કેલ તરફ જતા અંબર ટાવર ત્રણ રસ્તા પાસે જાહેર રોડ ઉપર એક AMTS બસની બ્રેક અચાનક ફેલ થઈ ગઈ હતી. જેના પગલે આ બસે ત્રણ વાહનોને અડફેટે લીધા હતા. જેમાં અજાણ્યા વાહન સાથે અકસ્માતમાં એક મહિલાને માથામાં તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેના પગલે તેમને સારવાર અર્થે પહેલા ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પરંતુ વધુ સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. જોકે, મહિલાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.
નોંધનીય છે કે, AMCના ડમ્પરો, ડોર ટુ ડોર કચરો લેતા વાહનો અને AMTS બસોના ડ્રાઈવરો બેફામ પણે ડ્રાઈવિંગ કરતાં હોવા છતાં તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવતી હોવાના સવાલો ચર્ચામાં છે. નરોડામા AMTS બસના ડ્રાઈવરે એક રાહદારી આધેડને ટક્કર મારતાં આધેડનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.