અમદાવાદ : અમદાવાદના SG હાઇવે પર ફરી એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. અમદાવાદનો આ વિસ્તાર હવે જાણે અકસ્માતો માટે સંભવિત ક્ષેત્ર બનતો જાય છે. છેલ્લા કેટલાક સમયથી SG હાઇવે પર એક કરતાં વધારે આ પ્રકારની ઘટનાઓ જોવા મળી હતી. હવે ફરીથી પકવાન બ્રિજ પર ટ્રક અને બસ વચ્ચે અકસ્માત સર્જાતા પોલીસ દોડતી થઇ ગઇ હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર, વહેલી સવારે અમદાવાદના SG હાઈવે પર આવેલા પકવાન બ્રિજ પર આઈસર ટ્રક અને ટ્રાવેલ્સ વચ્ચે અકસ્માત સર્જાયો છે. જેમાં આઈસર ટ્રકનું ટાયર ફાટતા રોડની એક તરફ લઈ જતી વખતે ટ્રાવેલ્સ બસ ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતને કારણે ડિવાઈડર પર આવેલા લાઈટનો થાંભલો ધરાશાયી થયો છે. આ અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. આ અંગેની માહિતી મળતાની સાથે જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. હાલ SG-2 ટ્રાફિક પોલીસે અકસ્માતની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.
આ પહેલા ઇસ્કોન ફ્લાયઓવર બ્રિજ પર જગુઆર કારે અકસ્માત સર્જયો હતો જેમાં 9 લોકોના જીવ ગયા. આ હાઇવે પર બીજી વખત અકસ્માતની ઘટના બની છે. અવારનવાર બનતી આ પ્રકારની ઘટનાઓ છતાં તેમ છતાં તંત્રએ કોઇ શીખ લીધી હોય એવું લાગતું નથી. ઇસ્કોન ફ્લાયઓવર બ્રિજ અકસ્માતમાં સ્ટ્રીટલાઇટ બંધ હતી જ્યારે આ વખતે થયેલ ટ્રક અને બસ અકસ્માત સમયે પણ સ્ટ્રીટ લાઇટ બંધ હાલતમાં હતી. મનપાની કામગીરી પર ફરી સવાલ ઉભા થયા છે.