અમદાવાદ : ગુજરાતમાં જંત્રીના દરમાં તગડો વધારો થયો ત્યાર પછી અમદાવાદના રિયલ એસ્ટેટ માર્કેટમાં સોસાયટીઓના રિડેવલપમેન્ટ પ્લાનમાં તેજી આવી છે. ખાસ કરીને ખાનગી સોસાયટીના રિડેવલમેન્ટ અને હાઉસીંગ સોસાયટીના રિડેવલપમેન્ટ વધ્યા છે.જંત્રીના રેટ વધ્યા પછી ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે અને જે ડેવલપર્સને પ્રોજેક્ટમાં રસ હોય તેઓ આગળ આવી રહ્યા છે. રિયલ્ટી ક્ષેત્રના જાણકારો કહે છે કે છેલ્લા ત્રણ મહિનામાં લગભગ 30 રિડેવલપમેન્ટ ડીલ થઈ છે અને 500 થી વધારે સોસાયટીઓ ડેવલપર્સ સાથે વાતચીત કરી રહી છે. જયારે હાઉસીંગ સોસાયટીઓમાં ખાનગી સોસાયટીઓના પ્રમાણમાં બે-ચાર સોસાયટીઓમાં રિડેવલપમેન્ટ ડીલ થઈ છે જયારે ૧૫ થી વધુ હાઉસીંગ સોસાયટીઓમાં જંત્રીના દર વધ્યા પછી ઓફરો વિશે નવેસરથી વાત ચાલે છે.
અમદાવાદમાં આશરે 100 થી વધુ હાઉસીંગની સોસાયટીઓ આવેલ છે, ભલે અત્યાર સુધી આંગળીના વેઢે ગણી શકાય એટલી બે-ચાર સોસાયટીઓ રિડેવલપમેન્ટ પ્રોજેકટમાં જોડાઈ શકી છે.પરંતુ જેની અસર સમગ્ર હાઉસીંગ વિસ્તારમાં આવેલ તમામ નાની-મોટી તમામ હાઉસીંગ સોસાયટીઓમાં જોવા મળી રહી છે. કારણ કે જયાં રિડેવલપમેન્ટ આવે એ સોસાયટી અને તેની આજુબાજુની સોસાયટીઓમાં મકાનોની કિંમતોમાં ઉછાળો આવે છે.હજુ અનેક સોસાયટીઓમાં એમઓયુ પણ નથી થયા ત્યાં પણ ફલેટોની કિંમતોમાં ઉછાળો જોવા મળે છે.જયારે જયાં જયાં એમઓયુ થઈ રહ્યા છે ત્યા તો આજુબાજુની સોસાયટીઓમાં ભવિષ્યમાં રિડેવલમેન્ટ આવશે એ આશાએ ફલેટોની કિંમતો વધવા પામી છે.
સૌ પ્રથમ વાત કરીએ તો નારણપુરામાં આવેલ એકતા એપાર્ટમેન્ટ કે જે રિડેવલમેન્ટ બાદ અત્યારે એકતા ફેસ્ટીવલના નામે ઓળખાય છે, આ એકતા ફેસ્ટીવલમાં રિડેવલપમેન્ટ પહેલા એક ફલેટની કિંમત માંડ 40 થી 50 લાખ જેટલી હતી, રિડેવલપમેન્ટ બાદ હાલમાં ફલેટની કિંમત 1 કરોડને પાર કરી દીધી છે, બીજુ ઉદાહરણ જોઈએ તો સોલા વિસ્તારની રામેશ્વર એપાર્ટમેન્ટની, રિડેવલમેન્ટ પહેલા આ ફલેટના મકાનની કિંમત માંડ 30 થી 40 લાખ હતી.જેમ જેમ રિડેવલમેન્ટ આગળ વધતું ગયું તેમ તેમ આ સોસાયટીમાં ફલેટની કિંમત વધતી ગઈ, છેલ્લે જયારે ડિમોલીશન સમય આવ્યો ત્યારે એક ફલેટની કિંમત 65 થી 70 લાખ સુધી પહોંચી હોવાની સ્થાનિકો જણાવી રહ્યા છે.હાલમાં આ ફલેટમાં સંપૂર્ણપણે ડિમોલીશન કામ પુરુ કરી જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે.આગામી ટુંક સમયમાં નવા ફલેટનું કામ શરૂ થશે.જાણકારોના મત મુજબ આ ફલેટમાં બુકિંગ વખતે કિંમત રૂા.1.10 કરોડ હશે અને જયારે 2026 માં પજેશન અપાશે ત્યારે આ ફલેટની કિંમત અંદાજે 1.25 કરોડ ઉપર રહેશે.
આમ અમદાવાદના નારણપુરા, સોલા અને નવા વાડજ વિસ્તારમાં અનેક હાઉસીંગ સોસાયટીઓના રિડેવલપમેન્ટ ની પ્રક્રિયાઓ ચાલી રહી છે, ભલે અત્યારે આંગળીના વેઢે ગણાય એટલી સોસાયટીઓમાં રિડેવલમેન્ટની ડીલ થઈ છે પરંતુ જે રીતે લોકોમાં ચર્ચાઓ ચાલી રહી છે એ મુજબ આગામી સમયમાં અનેક સોસાયટીઓ રિડેવલમેન્ટ પ્રોજેકટમાં જોડાય તેવી શક્યતાઓ રહેલી છે.