અમદાવાદ : શહેરના નવા વાડજમાં આવેલ અક્ષર પ્રાથમિક શાળામાં 12 વર્ષ જે તેથી વધુ ઉંમરની દિકરીઓ અને તેમની માતાઓ માટે સ્ત્રીરોગ જાગૃતિ અભિયાન અંતર્ગત અનોખી શિબીર શનિવારના રોજ યોજાઈ હતી. જેમાં જાણીતા ગાયનેકોલોજિસ્ટ ડૉ.સ્વીટી ચૌહાણ દ્વારા વિદ્યાર્થીનીઓ અને તેમની માતાને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ઘણીવાર મહિલાઓ પોતાના શરીરની તકલીફોને પણ ભૂલી જાય છે અને પૂરતા માર્ગદર્શનને અભાવે જૂની લોકવાયકાઓ સાંભળી પોતાના શરીરની તકલીફને સહન કરતાં કરતાં જીવતી હોય છે. આવી જ એક સર્વસામાન્ય અવસ્થા એટલે દીકરીના જીવનમાં આવતો પ્રથમ માસિકકાળ. આ વિશે માહિતી ના હોવાથી દિકરીઓ ખૂબ ગભરાઈ જતી હોય છે અને માતા પણ પોતાની સમજણ અને શરમને આધીન દીકરીને પૂરતી માહિતગાર કરી શકતી નથી.
આ મર્યાદાઓને ટાળવા નવા વાડજની અક્ષર પ્રાથમિક શાળામાં 12 વર્ષ જે તેથી વધુ ઉંમરની દિકરીઓ અને તેમની માતાઓ માટે સ્ત્રીરોગ જાગૃતિ અભિયાન અંતર્ગત શિબીર રાખી. જેમાં ડૉ.સ્વીટી ચૌહાણ દ્વારા વિદ્યાર્થીનીઓ અને તેમની માતા ને માર્ગદર્શન અને જરૂરી વિગતો જણાવવામાં આવી. બદલાતા આધુનિક યુગમાં દીકરીઓ જો સ્વસ્થ અને જાગૃત હશે તો જ એ દેશના ઘડતરમાં સાચું યોગદાન આપી શકશે. અને તો જ આપણે સાચા અર્થમાં મહિલાને સન્માન પૂર્વક કહી શકીશું, ‘નારી તું નારાયણી’.