અમદાવાદ: છેલ્લા કેટલાક દિવસોથી અમદાવાદમાં બની રહેલી હત્યાની ઘટનાઓ બાદ અમદાવાદ પોલીસ એક્શનમા આવી છે. ખાસ કરીને અમદાવાદના રિવરફ્રન્ટ પર ફાયરિંગ વિથ મર્ડર અને આત્મહત્યાની ઘટનાનો ભેદ ગણતરીના કલાકોમાં પોલીસે ઉકેલી નાખ્યો છે. ત્યારે અમદાવાદ પોલીસ કમિશનરે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને સમગ્ર ઘટનાનો ભેદ કેવી રીતે ઉકેલાયો તેની વિગતવાર માહિતી મેળવી હતી.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદ પોલીસ કમિશનર જીએસ મલિક રિવરફ્રન્ટ પહોંચ્યા હતા અને જ્યા યુવકને ગોળી મારવામાં આવી હતી તે સ્થળની મુલાકાત લીધી હતી. પોલીસ કમિશનરે કહ્યું કે, રિવરફ્રન્ટ પર સ્મિત ગોહિલની હત્યા નહીં પણ આત્મહત્યા છે. સ્મિત ગોહિલ અને અન્ય એક આરોપીએ વિરમગામમાં એક યુવકની હત્યા કરી હતી. પકડાઇ જવાના ડરે તેણે અહીંયા આવીને આપઘાત કર્યો છે.
શહેરના પોલીસ કમિશનર જી.એસ. મલિકે કહ્યું કે, ગુના 2-5 ટકા વધે કે ઘટે એમાં બેઉ ફેર પડવાનો નથી. મહત્વની વાત એ છે કે, ગુનો બન્યા બાદ નોંધાય અને શોધાય પણ ઝડપી છે.પોલીસ પર વાહન ચેકિંગને લઇને કેટલીક વખત આરોપ લગાવવામાં આવે છે. આ સવાલના જવાબમાં શહેરના પોલીસ કમિશનરે કહ્યું કે- અમદાવાદમાં દરેક વાહનને ચેક નહીં કરી શકાય. પહેલા 10 મહિનામાં અમદાવાદમાં 97 ગુના નોંધાયા છે અને તે તમામને શોધવામાં આવ્યા છે. અમદાવાદ પોલીસ કમિશનરે કહ્યું કે- અમદાવાદમાં ગુનાખોરી કાબુમાં છે.
અમદાવાદ પોલીસ કમિશનરે કહ્યું કે- શાહપુર અને વટવાના મર્ડર ડિટેક્ટ થઇ ગયા છે. આ ઉપરાંત 22 કિલોમીટર રિવરફ્રન્ટ પર સીસીટીવી નહીં હોવા મામલે તેમણે મહત્વનું નિવેદન આપ્યું છે. અમદાવાદના 22 કિલોમીટર લાંબા રિવરફ્રન્ટ પર સીસીટીવી કેમ નથી? તે અંગે પોલીસ કમિશનરે જણાવ્યું કે, કોર્પોરેશન સાથે આ અંગે પ્રયાસ ચાલુ છે અને ઝડપથી સીસીટીવી કેમેરા લગાવવાની કામગીરી હાથ ધરાશે.