અમદાવાદ: શહેરના નિર્ણયનગરના જૂના ફર્નિચરનું વેચાણ કરતા છાપરાંમાં મોડી રાતે ભીષણ આગ લાગી હતી. લાકડાના દરવાજા-બારીઓ સહિતના ફર્નિચર વેચાણના ઝૂંપડાઓમાં ભીષણ આગ લાગી હતી. અંદાજે 14 જેટલા આવા અલગ અલગ ફર્નિચર વેચાણના ઝૂંપડાઓમાંથી 7 જેટલા ઝૂંપડાઓમાં આગ ફેલાઇ હતી. એમ્બ્યુલન્સ સહિત ફાયરબ્રિગેડની 15થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી.પ્રાથમિક માહિતી પ્રમાણે, એલપીજી ગેસમાં લીકેજને કારણે અહીં ભીષણ આગ લાગી હતી.
ફાયરના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, અહીં મોટા પ્રમાણમાં લાકડાનું ફર્નિચર હોવાને કારણે આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધુ હતુ. આ આગમાં માનવતાને સાર્થક કરતું એક ઉદાહરણ પણ સામે આવ્યું છે. ફાયર ફાઇટિંગની ટીમના એક વ્યક્તિને આ છાપરામાંથી દોઢ લાખ રુપિયા રોકડા મળી આવ્ચા હતા. જેને પોલીસની જ હાજરીમાં સુપરત કરવામાં આવ્યા છે.
પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યુ છે કે, આ આગ એલપીજી લીકેજના કારણે લાગી હોવી જોઇએ. હાલ આ અંગે વધુ તપાસ ચાલી રહી છે. આગને પગલે દૂરદૂર સુધી ધૂમાડાના ગોટેગોટા ફેલાયા હતા. ફાયરની ટીમોની અવરજવરને પગલે સાયરનોથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતુ.