અમદાવાદ : દિવાળીના તહેવારમાં જો કોઇ મેડિકલ ઇમરજન્સી આવે તો ગભરાશો નહીં. દર વર્ષ ની જેમ આ વર્ષે પણ અમદાવાદ મેડિકલ એસોસિયેશને (AMA) તહેવારના ટાણે મેડિકલ ઇમરજન્સીની સ્થિતિમાં વિવિધ બ્રાન્ચના 53 તબીબોનું લિસ્ટ જાહેર કર્યું છે. તહેવારના સમયમાં ઇમરજન્સી કેસને તુરંત સારવાર મળી રહે તે માટે અમદાવાદ મેડિકલ એસોસિયેશન દ્વારા આ આવકારદાયક પહેલ કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ AMA દ્વારા છેલ્લા 10-12 વર્ષથી દિવાળીના પાંચ દિવસ દરમિયાન દર્દીઓને સારવાર મળી રહે તે હેતુથી ‘ડોક્ટર ઓન કોલ’ સેવાની શરૂઆત કરવામાં આવી હતી. આ એક સ્વૈચ્છિક સેવા છે. જેમાં ડોક્ટરો સ્વૈચ્છિક રીતે નામ નોંધાવે છે. આ વર્ષે 53 ડોક્ટરોએ નોંધણી કરાવી છે. જેઓ જુદા જુદા વિસ્તારોમાં વિવિધ સમયે માત્ર એક ફોન કોલ પર ઉપલબ્ધ રહેશે. આ વર્ષે તારીખ 11 નવેમ્બરથી 15 નવેમ્બર સુધી એટલે કે પાંચ દિવસ દરમિયાન ‘ડોક્ટર ઓન કોલ’ સેવા ઉપલબ્ધ રહેશે.
AMA દ્વારા, છેલ્લા 10 વર્ષથી આ સેવા કાર્યરત છે. જેમાં દર વર્ષે પાંચ દિવસ દરમિયાન લગભગ 1000થી 1200 કેસ નોંધાતા હોય છે. જેમાં સરેરાશ રીતે દરરોજના 200-250 કોલ આવતા હોય છે. દિવાળી અને બેસતા વર્ષના દિવસે આ આંકડામાં વધારો નોંધાતો હોય છે. મુખ્યત્વે પાંચ દિવસ દરમિયાન દાઝવાના, ધુમાડાને કારણે શ્વાસ લેવામાં તકલીફ પડવી, ધુમાડાની એલર્જી વગેરે જેવા કેસ નોંધાતા હોય છે.