અમદાવાદ : શનિવારે સાંજે હાથીજણ પાસે પિતા પુત્ર દિવાળીના તહેવારને લઇને ફટાકડા લેવા માટે નિકળ્યા હતા. આ દરમ્યાન બન્ને એસ.પી. રીંગ ઉપર રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે પૂરઝડપે આવી રહેલા અજાણ્યા કાર ચાલકે પિતા પુત્રને ટક્કર મારી હતી જેથી બન્નેને ગંભીર ઇજાઓ થતાં પિતાનું સ્થળ ઉપર જ મોત થયું હતું. જ્યારે પુત્રને સારવાર માટે સિવિલ હોેસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ બનાવ અંગે ટ્રાફિક પોલીસે કાર ચાલક સામે હિટ એન્ડ રનનો ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ વીંઝોલમાં રહેતા 29 વર્ષીય વિમળાબેન શનિવારે સાંજે 7 વર્ષન પુત્ર ધ્રુવલ, પાંચ વર્ષનો પુત્ર દક્ષ તથા પતિ શૈલેષભાઈ સાથે દિવાળીના ફટાકડાની ખરીદી કરવા ગયા હતા. ફટાકડા ખરીદીને વાઘેલા પરિવાર પરત ફરી રહ્યો હતો. ત્યારે હાથીજણ સર્કલથી સરસ્વતી ચાર રસ્તા પાસે રીક્ષામાંથી ઉતરીને રોડ ક્રોસ કરી રહ્યા હતા, તે સમયે પૂરપાટ ઝડપે આવેલી કારે શૈલેષભાઇ અને દિકરા ધ્રુવલને ટક્કર મારી હતી. જેથી પિતા-પુત્ર હવામાં ફંગોળાઈને જમીન પર પટકાતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માત બાદ કારચાલક ફરાર થઈ ગયો હતો.
બીજી બાજુ ઈજાગ્રસ્ત પિતા-પુત્રને સારવાર માટે હોસ્પિટલ દાખલ કર્યા હતા. જ્યાં ડોક્ટરે શૈલેષભાઇને મૃત જાહેર કર્યા હતા. આ મામલે જે ડિવિઝન ટ્રાફિક પોલીસે ફરાર કારચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મહત્વનું છે કે આરોપી કોણ છે તેની પણ તપાસ કરવામાં આવશે. નોંધનીય છે કે, શનિવારે પણ એક અકસ્માતની ઘટના બની હતી અને જેમાં કાંકરિયા પાસે એક ડમ્પર ચાલકે એક બાળકને ટકકર મારતા બાળકનું મોત થયું હતું, તે મામલે પણ પોલીસે ફરિયાદ લઈને કાર્યવાહી કરી હતી. છેલ્લા થોડા દિવસોમાં અકસ્માતની ઘટનાઓ જે રીતે બની રહી છે તે ચિંતાનો વિષય છે.