અમદાવાદ : દિવાળીના દિવસે અમદાવાદમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. સિંધુભવન રોડને ફરી એકવાર નબીરાઓએ અમદાવાદના રસ્તાને રેસિંગ ટ્રેક બનાવી દીધો છે. સિંધુભવન રોડ પર રાતના 3 વાગ્યા બાદ એક અકસ્માત થયો હતો. જો કે આ અકસ્માત માટેનું કારણ કાર રેસ હતુ. બે લક્ઝુરિઅસ કારના ચાલકોએ રેસ લગાવી હતી અને આ જ દરમિયાન મર્સિડીઝ કારની ટક્કરે બે ગાડી આવી ગઈ.
રિપોર્ટ મુજબ સિંધુભવન રોડ પર નબીરાઓ લોકોના જીવ જોખમમાં મુકી રેસ લગાવી રહ્યા છે. ગઈકાલે દિવાળીના દિવસે મોડીરાતે 3:26 વાગ્યે રેસિંગના ચક્કરમાં 2 કાર અથડાઈ હતી. જેમાં નબીરાઓએ પૂરપાટ ઝડપે કાર ચલાવી બે કારને અડફેટે લીધી હતી. પ્રાથમિક વિગતો મુજબ રિશીત પટેલ નામના નબીરાએ અકસ્માત કર્યો હોવાનું સામે આવ્યું છે.
આ તરફ અકસ્માતનો ભોગ બનનાર વ્યક્તિએ આરોપ લગાવતા કહ્યું છે કે, અકસ્માત બાદ કારની નંબર પ્લેટ પણ બદલી દેવામાં આવી હતી. આ સાથે રિશીત પટેલના માણસોએ આવી લોકોને ધમકાવ્યા હતા. તેમણે કહ્યું કે, મારી કારને ટક્કર મારી અને કાર ચાલક નશાની હાલતમાં હતો. આ સાથે તેમણે કહ્યું કે, કારની રેસ કરતી વખતે અકસ્માત કર્યો. આ તો કારનું ટાયર ફાટયું એટલે ગાડી ઊભી રાખી નહીં તો ભાગી જાત.
જો કે આ અકસ્માત બાદ સવાલ એ થાય છે કે ક્યાં સુધી આ નબીરાઓ બીજાના જીવને જોખમમાં મુકતા રહેશે. અમદાવાદના રસ્તાઓ પર નીકળી પડતાં આ નબીરાઓ તદ્દન બેજવાબદારીભર્યું વર્તન કરે છે. જેનો ભોગ નિર્દોષ લોકો બને છે. આવા નબીરાઓ પર હવે કાયદાએ ગાળિયો કડક કરવાની જરૂર જણાઇ રહી છે. જેથી તેમની મજા કોઈ માટે સજા ન બને.
મહત્વનું છે કે, ઇસ્કોન બ્રિજ પર અગાઉ તથ્ય પટેલે ગમખ્વાર અકસ્માત સર્જ્યા બાદ પોલીસ એક્શનમાં આવી હતી. તથ્યકાંડ બાદ પોલીસ દ્વારા ડ્રાઇવ ચલાવી પરંતુ તે માત્ર નામની બની રહી હોય તેવી સ્થિતિ બની છે. થોડા દિવસો ડ્રાઇવ ચાલી અને ત્યાર બાદ ફરી નબીરાઓ બેફામ બન્યા છે. આ તરફ ફરી એકવાર નબીરાઓને જાણે કોઈ ડર જ ન હોય તેમ બેફામ બનતા હોય હવે પોલીસની કામગીરી પર ફરી સવાલો ઉઠ્યા છે.