અમદાવાદ : અમદાવાદમાં રવિવારે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં World Cup ફાઈનલ જંગમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ખેલાવાની છે. જેના પગલે ક્રિકેટપ્રેમીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ મેચ જોવા માટે PM મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત અનેક હસ્તીઓ દેશ-વિદેશથી આવશે. બીજી તરફ આ મેચ જે ટીમ જીતશે તેના પર પૈસાનો વરસાદ થશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ ICCની જાહેરાત મુજબ વર્લ્ડકપ વિજેતા ટીમને 33 કરોડ રુપિયા જ્યારે ફાઈનલ મેચમાં હારનાર ટીમને 16.65 કરોડ રૂપિયા મળશે. ગ્રુપ સ્ટેજની મેચો જીતીને સેમી ફાઈનલમાં પ્રવેશનારી ટીમોને 6.66 કરોડ મળ્યા છે, જેમાં દક્ષિણ આફ્રિકા અને ન્યુઝીલેન્ડ ટીમનો સમાવેશ થાય છે. આ સાથે જ ગ્રૂપ રાઉન્ડમાં બહાર થઈ ગયેલી ટીમોને પણ પૈસા મળ્યા છે. જેમાં ઈંગ્લેન્ડ, શ્રીલંકા, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, નેધરલેન્ડ અને બાંગ્લાદેશને 83.29 લાખ મળ્યા હતા. ICCએ ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા જ ઈનામી રકમની જાહેરાત કરી દીધી હતી. જેણે ટુર્નામેન્ટ માટે રૂ. 83.29 કરોડનું બજેટ નક્કી કર્યું હતું.
ભારત 2003નો બદલો લેવા મેદાનમાં ઉતરશે
નોંધનીય છે કે, વન-ડે World Cup ની ફાઈનલ મેચમાં બીજી વખત ભારત અને ઓસ્ટ્રેલિયાનો મુકાબલો ખેલાઈ રહ્યો છે. 2003માં World Cup ફાઇનલમાં બંને ટીમ ટકરાઈ હતી. જેમાં ભારતનો પરાજય થયો હતો. પરિણામે આવતીકાલે ભારત આ હારનો બદલો લેવા મેદાનમાં ઉતરશે.
PM મોદી પણ ફાઇનલ મેચ જોવા આવશે
PM નરેન્દ્ર મોદી રવિવારે ગુજરાતની મુલાકાતે આવશે. PM મોદી સાંજે 4.30થી 5 વાગ્યાની આસપાસ અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે. સાંજે 5 વાગ્યા બાદ ગમે ત્યારે અનુકૂળતા મુજબ વર્લ્ડ કપ ફાઇનલમાં હાજરી આપશે.
આ સેલિબ્રિટી અને ક્રિકેટર્સ પણ ફાઇનલ મેચમાં હાજર રહી શકે
વર્લ્ડકપ ફાઇનલ મેચને જોવા માટે ક્રિકેટર્સમાં સચિન તેંડુલકર, મહેન્દ્રસિંહ ધોની, યુવરાજ સિંહ, હાર્દિક પંડ્યા, યુઝવેન્દ્ર ચહલ, વિરેન્દ્ર સેહવાગ, સૌરવ ગાંગુલી, કપિલ દેવ, હાજર રહી શકે છે. અને સેલિબ્રિટીમાં અમિતાભ બચ્ચન, રજનીકાંત, કમલ હાસન, મોહનલાલ, વેંકટેશ, નાગાર્જુન, રામચરણ હાજર રહી શકે છે.