અમદાવાદ : ઉનાળાની શરૂઆતમા જ કાળઝાળ ગરમી પડવાની શરૂ થઈ ગઈ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા ઉનાળાની ગરમીને લઈને અનેક સુંદર નિર્ણય લેવામાં આવ્યા છે જેમાં ઉનાળામાં શહેરના તમામ બગીચાઓ બપોરના સમયે જાહેર જનતા માટે ખુલ્લા રહેશે. તમામ BRTS બસ સ્ટેન્ડ અને AMTS બસ ડેપો પર પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. શહેરના તમામ બિલ્ડરોને તેમના કન્સ્ટ્રક્શન સાઇટના વર્કર માટે પીવાના પાણીની વ્યવસ્થા માટે સુચના આપી દેવામાં આવી છે. રેડ એલર્ટ દરમ્યાન તમામ કનસ્ટ્રકશન અને મેટ્રો રેલ સાઇટ બપોરે 12 થી 4 કામગીરી બંધ રહે તે માટે સુચના આપવામા આવી છે.
શહેરના દરેક ઝોનમાં એક-એક મોબાઇલ પાણીની પરબોનું આજે મેયર કિરીટ પરમાર, કમિશનર લોચન સહેરા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ, શાસક પક્ષના નેતા ભાસ્કર ભટ્ટ સહિતના નેતાઓએ ફ્લેગ ઓફ કરાવી પ્રસ્થાન કરાવ્યું હતું. આ તમામ મોબાઈલ પાણીની પરબો આગામી બે માસ સુધી કાર્યરત રહેશે. જે મુખ્યત્વે ઝોનના મુખ્ય ચાર રસ્તા, કડિયાનાકા તથા સ્લમ વિસ્તારોમાં સવારે 10 થી સાંજે 5 સુધી ફરશે અને લોકોને ગરમીમાં પાણી પીવડાવશે.