અમદાવાદ : શહેરમાં રોડ ઉપર ફૂટપાથ અને બ્રિજ નીચે જે લોકો રાત્રિ દરમિયાન સુઈ જાય છે. આવા લોકોને રેન બસેરામાં આશ્રય આપવા માટે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા સૂચના આપવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના યુસીડી વિભાગની ટીમને નાઈટ ડ્રાઇવ કરી જે લોકો રોડ ઉપર સુતા હોય છે. તેઓને કોર્પોરેશનના રેન બસેરામાં ખસેડવા જેનાથી તેઓને શિયાળા દરમિયાન ઠંડીમાં કોઈ તકલીફનો સામનો કરવો પડે નહીં. સુવા માટે ધાબળા, ગરમ પાણી તેમજ દરરોજ સાંજે વિનામૂલ્યે ભોજન સહિતની સુવિધાઓ આપવામાં આવે છે. ઘરવિહોણા લોકોને આશ્રય મળી રહે તેના માટે આ ડ્રાઈવ ચલાવવામાં આવશે.
AMCના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ કહ્યું હતું કે, શિયાળાના આગમન સાથે ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. શહેરમાં ફૂટપાથ તેમજ બ્રિજની નીચે વિવિધ જગ્યાઓ પર રાત્રે લોકો સુતા હોય છે. આવા ઘરવિહોણા લોકોને આશ્રય આપવા માટે યુસીડી વિભાગની ટીમને નાઈટ ડ્રાઈવ કરવાની સૂચના આપી છે. એએમસી દ્વારા શહેરના વિસ્તારોમાં કુલ 30 જેટલા રેન બશેરા બનાવવામાં આવ્યા છે. તેમાં અત્યાધુનિક સુવિધાઓ જેવી કે CCTV, ગરમ પાણી, સુવા માટે ગરમ ધાબળા, પીવાના પાણી, શૌચાલય વગેરે જેવી સુવિધાઓ આપવામાં આવે છે. તેમજ તેઓને સાંજના સમયે ગરમ ભોજન પણ પૂરું પાડવામાં આવે છે.
આ ઉપરાંત જે લોકોને રેન બસેરામાં રહે છે, તેઓને સરકારના વિવિધ લાભો જેવા કે આયુષ્યમાન કાર્ડ, આધારકાર્ડ, રેશનકાર્ડ, ઇ શ્રમ કાર્ડ વગેરે લાભ પણ આપવામાં આવે છે. જો કોઈપણ તે બીમાર પડે તો તેને નજીકના અર્બન હેલ્થ સેન્ટરમાં લઈ જઈ તેને સારવાર પણ કરાવવામાં આવશે. આમ જે લોકો ઘરવિહોણા છે તેઓને આશ્રય આપવા માટે થઈ હવે નાઈટ ડ્રાઈવ ચલાવવા માટેની સૂચના અધિકારીઓને આપવામાં આવી છે.