અમદાવાદ : અમદાવાદના ખોખરા વિસ્તારમાં ગેસ લીકેજથી આગ લાગવાની ઘટના બની છે. વહેલી સવારે પાણી ગરમ કરવા જતા ગેસ લીકેજથી આગ લાગી હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. ઘટનામાં એક વ્યક્તિને સામાન્ય ઇજા થઈ છે. ફાયરબ્રિગેડની ટીમ દ્વારા આગને કાબુમાં લઈ અને પોલીસ તેમજ એફએસએલની મદદથી તપાસ શરૂ કરવામાં આવી છે.
આ સમગ્ર ઘટના શહેરના ખોખરા વિસ્તારમાં છે જ્યાં હેબ્રોન એપાર્ટમેન્ટમાં ચોથા માળે આવેલા એક ફ્લેટમાં વહેલી સવારે આગ લાગી હતી. ઘરના સભ્યો દ્વારા વહેલી સવારે પાણી ગરમ કરવા માટે ગેસ ચાલુ કરવામાં આવ્યો, ત્યારે અચાનક જ આગ લાગી હતી. ગેસનો બાટલો લીકેજ હોવાના કારણે આગ લાગતા ઘરના સભ્યો દોડીને બહાર નીકળી ગયા હતા. આગમાં ઘરના એક વૃદ્ધને સામાન્ય ઇજા થઈ હતી. આ ઘટના અંગે ફાયરબ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા ફાયરબ્રિગેડની ત્રણ જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયરબ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવી અને આગને કાબુમાં લીધી હતી. આગના પગલે ઘરમાં નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.
આગની આ ઘટનામાં ત્રણ લોકો ઘરની બહાર નીકળી જવાને કારણે સલામત છે જયારે એક વૃદ્ધને ઈજાઓ થઇ છે પોલીસને જાણ કરવામાં આવતા ખોખરા પોલીસની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. આગની ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. સમગ્ર મામલે પોલીસે કેવી રીતે ગેસ લીકેજ હતો અને આગની ઘટના કેવી રીતે બની તે અંગેની તપાસ હાથ ધરી છે.