અમદાવાદ : આજે લાંબા સમય બાદ અમદાવાદની સ્કૂલમાં ધોરણ-2નો વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવ્યો છે. વિદ્યાર્થી પોઝિટિવ આવ્યા બાદ વર્ગ સેનિટાઈઝ કરવામાં આવ્યા હતા અને સ્કૂલે DEOને જાણ કરી હતી.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ મેમનગરમાં આવેલી સેન્ટ ઝેવિયર્સ લોયલ સ્કૂલમાં ધોરણ-2માં ભણતા વિદ્યાર્થીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. વિદ્યાર્થીની તબિયત છેલ્લા કેટલાક સમયથી સારી ન હોતી જેથી વિદ્યાર્થી નિયમિત સ્કૂલે આવ્યો ન હતો. 9 એપ્રિલે સ્કૂલે આવ્યો ત્યારે પણ તેને તાવ હતો, જેથી 11 એપ્રિલે તેની માતા તેને ડોકટર પાસે લઇ ગયા હતા. ત્યારે બાળકને કોરોના હોવાની જાણ થઈ હતી. જે બાદ માતાએ 12 એપ્રિલે સ્કૂલને જાણ કરી હતી અને સ્કૂલના આચાર્યએ DEO કચેરીએ જાણ કરી હતી. સ્કૂલ દ્વારા વર્ગ પણ સેનિટાઇઝ કરવામાં આવ્યા હતા.
આ અંગે સ્કૂલે જણાવ્યું હતું કે, અમને જાણ થતાં અમે DEOને જાણ કરી છે. અન્ય બાળકોને પણ કોઈ લક્ષણ જણાય તો ઘરે રહેવા સલાહ આપી છે. જોકે તે વિદ્યાર્થીના સંપર્કમાં કોઈ આવ્યું નથી તેથી અન્ય વિદ્યાર્થી હજુ સુધી સંક્રમિત થયા નથી. અમે સ્કૂલમાં પણ અત્યારે પુરી તકેદારી રાખી રહ્યા છીએ.