અમદાવાદ : આજથી અમદાવાદ શહેરમાં ફ્લાવર શો યોજાઇ રહ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સન 2013 થી એટલે કે છેલ્લા 10 વર્ષથી ફ્લાવર શોનું આયોજન કરવામાં આવે છે. લોકોનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળતા સાબરમતી રિવરફ્રન્ટના ઇવેન્ટ સેન્ટર ખાતે 11 માં ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે.રિવરફ્રન્ટના ઇવેન્ટ સેન્ટરમાં મ્યુનિ.તંત્ર દ્વારા આજથી 15 જાન્યુઆરી સુધી 11માં રંગબેરંગી ફ્લાવર શો રાજયના મુખ્યમંત્રી દ્વારા આરંભ કરાવાશે.
30 ડિસેમ્બર થી 15 જાન્યુઆરી સુધી આ ફ્લાવર શો નું આયોજન કરવામાં આવ્યું છે. અને જો લોકોની લાગણી હશે તો તેને લંબાવવામાં પણ આવશે. અમદાવાદમાં યોજનર આ ફ્લાવર શોમાં પહેલીવાર 15 લાખથી વધુ ફૂલ છોડ શહેરીજનોને જોવા મળશે. શહેરમાં યોજાયેલા આ ફ્લાવર શોમાં 20 જેટલી અવનવી થીમ ઉપર સુંદર અને નયનરમ્ય પ્રતિકૃતિઓ તૈયાર કરવામાં આવી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ગાર્ડન વિભાગના ડાયરેક્ટર જીગ્નેશ પટેલ જણાવે છે કે અમદાવાદમાં યોજાનાર આ ફ્લાવર શો શેરીજનોને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિકૃતિ નવા સંસદ ભવનની પ્રતિકૃતિ, મોઢેરાના સૂર્યમંદિરની પ્રતિકૃતિ, વિક્રમ લેન્ડર (ચંદ્રયાન 3)ની પ્રતિકૃતિ જેવા આગવા આકર્ષણો જોવા મળશે.
અમદાવાદમાં યોજાનાર આ ફ્લાવર શોમાં ઓલમ્પિક, વડનગર તોરણની થીમ ઉપર બનાવેલ મુખ્ય પ્રવેશદ્વાર, બાળકો માટેના કાર્ટૂન કેરેક્ટર, વાઇબ્રન્ટ ગુજરાતની પ્રતિકૃતિ, સાત ઘોડાની પ્રતિકૃતિ, પતંગિયા ની પ્રતિકૃતિ વગેરે થીમની પ્રતિકૃતિઓ વિશેષ આકર્ષણ જમાવશે.
ફ્લાવર શોમાં જોવા મળતી આ તમામ પ્રતિકૃતિઓ વિવિધ પ્રકારના ફ્લાવર બેટ સાથે જુદા જુદા લેન્ડસ્કેપમાં બનાવવામાં આવી છે. આ ફ્લાવર શોનું મુખ્ય આકર્ષણ પીટુનીયા, ડાયન્થસ જેવા ફૂલોની જાતના આશરે 7 લાખથી વધુ ફુલોના રોપાઓ દ્વારા 700 મીટર લાંબુ એક સુંદર મજાનું ફ્લાવર સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું છે.
અમદાવાદ શહેરના ફ્લાવર શોમાં વિવિધ ફૂલ છોડો ની સાથે પ્રાઇવેટ નર્સરીના વિવિધ સ્ટોલ, જંતુનાશક દવાઓ માટેની માહિતી, જુદી જુદી જાતના બિયારણ, ગાર્ડનિંગ કરવા માટેના સાધનો વગેરેના સ્ટોલ પણ ઊભા કરવામાં આવ્યા છે. આ ઉપરાંત શહેરીજનોને ફ્લાવર શોમાં ફરવા ઉપરાંત રિફ્રેશમેન્ટ માટે વિવિધ ફૂડ સ્ટોલ પણ ઊભા કરવામાં આવ્યા છે.
આ ફ્લાવર શોમાં સેવંતી, વીમ્કા, ગજેનીયા, કોલિયસ, તોરણિયા, અર્ચીડ, જલબેરા, લીલીયસ, મારીગોલ્ડ, એન્થુરીનીયમ, એમરેન્સ લીલી જેવા આશરે 15 લાખ વધુ ફૂલછોડ પ્રદર્શિત કરવામાં આવ્યા છે. આ વખતના ફ્લાવર શોમાં જર્મની, આફ્રિકા, સિંગરપુર, યુરોપિયન દેશો વગેરેમાંથી 30થી વધારે વિદેશી ફૂલ છોડની જાતો લોકોને જોવા મળશે.
આ ફ્લાવર શો માટે પ્રવેશ ફી સોમવાર થી શુક્રવાર માટે 50 રાખવામાં આવી છે. જ્યારે શનિ અને રવિ માટે રૂપિયા 75 રાખવામાં આવી છે. 12 વર્ષથી નાના બાળકો માટે તથા શાળાના પ્રવાસ માટે આવનાર બાળકો માટે પ્રવેશ નિશુલ્ક રાખવામાં આવ્યો છે. શેરીજનોને પ્રવેશ ટિકિટ ખરીદવામાં સરળતા રહે તે માટે શહેરના દરેક સીટી સિવિક સેન્ટર ઉપર તથા સ્થળ ઉપર જ સ્કેન કરીને ઓનલાઈન ટિકિટ મેળવી શકશે.