અમદાવાદ: શહેરના સાબરમતી રિવરફ્રન્ટ પર વિચિત્ર ઘટના બનવા પામી હતી. એક યુવક તેની પત્ની સાથે બપોરના સમયે રિવરફ્રન્ટ પર ફરવા આવ્યો હતો. રિવરફ્રન્ટ પર ફર્યા બાદ યુવક અને તેની પત્ની વોક વે પાસે પહોંચ્યા હતા. ત્યારે ફોટો પાડતી વખતે વોક વે પાસે પગ લપસતા યુવક નદીના પાણીમાં પડી ગયો હતો. ત્યાં આસપાસના લોકોએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ યુવકનું પાણીમાં ડુબી જતા મોત નિપજ્યુ હતું. જે મામલે સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ ઘોડાસર આવકાર હોલ પાસે આવેલી રામેશ્વર પાર્ક સોસાયટીમાં રહેતા 29 વર્ષીય યશ કંસારા અને તેની પત્ની સોમવારે સાંજે રિવરફ્રન્ટ પર ફરવા માટે આવ્યા હતા. જેમાં ઇસ્ટ વોક વે પર ચાલતા ચાલતા જતા હતા ત્યારે રેલીંગ પર બેસીને યશ ફોટો પાડી રહ્યો હતો ત્યારે અચાનક પગ લપસી જતા તે પાણીમાં પડી ગયો હતો. આ સમયે તેની પત્ની અને આસપાસના લોકોએ બુમાબુમ કરીને તાત્કાલિક ફાયરબ્રિગેડને જાણ કરી હતી. લગભગ બે થી ત્રણ મિનિટમાં ફાયરબ્રિગેડનો સ્ટાફ સ્પીડ બોટ સાથે પહોંચી ગયો હતો અને બહોશ હાલતમાં યશને બહાર કાઢ્યો હતો.જો કે તેનું મરણ થયું હતું. આ અંગે રિવરફ્રન્ટ વેેસ્ટ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
સાબરમતી રિવરફ્રન્ટ પર મોટી સંખ્યામાં લોકો ફરવા આવતા હોય છે, જેથી કોઈ બનાવ ન બને તે માટે સિક્યોરિટી ગાર્ડ પણ મૂકવામાં આવ્યા છે. જોકે ગાર્ડ માત્ર પાર્કિંગ વ્યવસ્થા સાચવી રહ્યા હોય છે અને લોકો જીવના જોખમે વોકવે પાસે જઈને ફોટોગ્રાફી અને ઈન્સ્ટાગ્રામ માટે રીલ બનાવતા હોય છે, તેમ છતાંય હાજર સિક્યોરિટી ગાર્ડ તેમને રોકતા ન હોવાની લોકોમાં ચર્ચા શરૂ થઈ છે.