અમદાવાદ : ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે થવાની છે જેને લઈ દેશભરમાં ઉત્સાહનો માહોલ છે. રાજ્યના વિવિધ શહેરોમાં ભગવાન રામના અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે અમદાવાદ શહેરમાં પણ શોભાયાત્રા, સુંદરકાંડ, હવન અને ભવ્ય ડાયરાઓનું આયોજન કરવામાં આવ્યું છે. આજથી ત્રણ દિવસ શહેરમાં ભગવાન રામના પ્રાણ પ્રતિષ્ઠાને લઈ કાર્યક્રમો શરૂ થયા છે.
અયોધ્યામાં રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ શહેરમાં વિવિધ જગ્યાએ અનેક કાર્યક્રમોનું આયોજન હવે ત્રણ દિવસમાં યોજાઈ રહ્યો છે. ત્યારે આજે શહેરના વેજલપુર વિધાનસભા વિસ્તારમાં રામરથ યાત્રાનું આયોજન ધારાસભ્ય અમિત ઠાકર દ્વારા કરવામાં આવ્યું છે. 14×17 ફૂટની રામ ભગવાનની પ્રતિકૃતિ સાથે વેજલપુર વિસ્તારમાં ભવ્યયાત્રા બપોરે ત્રણથી સાંજે સાત વાગ્યા સુધી યોજાશે. જોધપુર ગામ, આનંદનગર, પ્રહલાદ નગર, જીવરાજ પાર્ક, મલાવ તળાવ સહિતના વિસ્તારોમાં આ યાત્રા ફરશે.
નારણપુરા વિસ્તારમાં 21 જાન્યુઆરીને સવારે 09.30 કલાકે, પ્રભુ શ્રીરામની નગર યાત્રા રેલીનું આયોજન હાઉસીંગ એપાર્ટમેન્ટ રિડેવલપમેન્ટ ફેડરેશન (હાર્ફ) દ્વારા કરવામાં આવ્યું છે. રામ ભગવાનની પ્રતિકૃતિ સાથે નારણપુરા વિસ્તારમાં ભવ્યયાત્રા સવારે નવથી બપોરે એક વાગ્યા સુધી યોજાશે.આ નગરયાત્રા નારણપુરામાં આવેલ શાંતિનાથ મહાદેવ શાંતિ એપાર્ટમેન્ટ થી શરૂ થશે, આદર્શનગર, મંગલમૂર્તિ એપાર્ટમેન્ટ, પ્રતીક્ષા એપાર્ટમેન્ટ, કાંકરિયા હનુમાનજી મંદિર(સોલા કોમ્પલેક્ષ), આસોપાલવ એપાર્ટમેન્ટના પંચદેવ મંદિર પર યાત્રાનું સમાપન કરાશે.
આ ઉપરાંત ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ 21મી જાન્યુઆરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ 16 જેટલી જગ્યાએ ભવ્ય ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ કલાકારો દ્વારા ભક્તિમય માહોલ બનાવવામાં આવશે. 22મી જાન્યુઆરીએ રાત્રે અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ભવ્ય ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તમામ ધારાસભ્યો દ્વારા તેમના વિસ્તારમાં પણ ડાયરાઓનું આયોજન કરાયું છે. જેમાં સાબરમતી વિસ્તારમાં રામનગર ચોક ખાતે લોકગાયિકા ગીતાબેન રબારીનો ડાયરો રાખવામાં આવ્યો છે. જ્યારે નારણપુરા અંકુર ચાર રસ્તા ખાતે રાજભા ગઢવીનો ડાયરો રાખવામાં આવ્યો છે.