અમદાવાદ : અમદાવાદમાં શિયાળાની ઠંડીના પ્રારંભ સાથે જ ઠેર ઠેરથી પાણીની તંગીની ફરિયાદો ઉઠવા માંડી છે. બીજી તરફ પ્રદૂષિત પાણીની ફરિયાદોમાં અસામાન્ય વધારો થયો છે.ત્યારે આવી જ વધુ એક ઘટના શહેરના સ્ટેડીયમ વોર્ડમાંથી સામે આવી છે. જેમાં સ્ટેડીયમ વોર્ડમાં આવેલ વિવિધભારતી સોસાયટીઓમાં પીવાનું પાણી ડહોળું આવતા સ્થાનિકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. અને સ્થાનિકો દ્વારા તાત્કાલિક સમસ્યાનો ઉકેલ લાવવા માંગ કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ શહેરના સ્ટેડીયમ વોર્ડમાં આવેલ વિવિધભારતી સોસાયટીઓમાં પીવાનું પાણી ડહોળું આવતા સ્થાનિકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. આ વિસ્તારના રહેવાસી કિરીટસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, અમારે ખરાબ પાણી આવે છે અને એ જ પાણી ટાંકામાં આવે છે. ત્યારે આ પાણી પીવું કઈ રીતે ? ઘરે ઘરે બધાને ફિલ્ટરની વ્યવસ્થા હોય તે જરૂરી નથી. આવા પ્રદૂષિતના પાણી પીને રોગચાળો ફેલાવવાની દહેશત છે. સમગ્ર મામલે સ્થાનિકોનો આરોપ છે કે, આ મામલે મ્યુનિસિપલ તંત્ર સમક્ષ અનેકવાર રજૂઆતો કરી છે. છતાં કોઈ ઉકેલ આવતો નથી. ત્યારે આ મામલે મનપા તંત્ર દ્વારા ત્વરિત કાર્યવાહી થવી જરૂરી છે.
સ્માર્ટસીટીમાં કહેવાતા વિકાસ છતાં અમદાવાદના કેટલાક વોર્ડમાં હાલમાં પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનુ તંત્ર પીવાનુ શુધ્ધ પાણી લોકો સુધી પહોંચાડી શકતુ નથી.બીજી તરફ અનેક એવા વોર્ડ છે કે જયાં ડ્રેનેજ કે પાણીની લાઈન લીકેજ હોવાની કે બંને લાઈન મીક્ષ થવાથી પ્રદૂષિત પાણી આવતુ હોવાની જે તે વોર્ડ વિસ્તારના રહીશો દ્વારા મ્યુનિસિપલ તંત્ર સમક્ષ સી.સી.આર.એસ.સિસ્ટમથી ઓનલાઈન ફરિયાદ કરવામાં આવે છે. આ ફરિયાદોનુ સમયસર નિરાકરણ લાવવામાં આવતુ નહીં હોવાથી અમદાવાદના કેટલાક વોર્ડમાં કોલેરાના કેસ વીતેલા વર્ષમાં નોંધાયા હતા.