અમદાવાદ : કહેવાય છે કે શ્વાન એ સૌથી વફાદાર છે અને તેથી જ મોટી સંખ્યામાં લોકો તેને પાળે છે. ઘરમાં શ્વાનને સારી સગવડો પણ આપવામાં આવે છે. જો તમે પણ ઘરમાં પાલતું શ્વાન રાખનારા લોકોમાંથી છો અને સ્માર્ટ સિટી અમદાવાદમાં ઘર ધરાવો છો તો તમારી માટે હવે ઘરમાં તમારા શ્વાનનું રજિસ્ટ્રેશન ફરજિયાત કરાવવું પડશે.આ સાથે કોર્પોરેશન દ્વારા નક્કી કરેલા નીતિ નિયમોનું પાલન કરવું પડશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદ મ્યુ કોર્પોરેશન (AMC) ઢોર અંકુશ કાયદા બાદ હવે પાલતું શ્વાનને લઈને પોલીસી બનવવાનું આયોજન કરી રહી છે. સૂત્રોનું માનીએ તો અમદાવાદ મહાનગરપાલિકા પાલતુ શ્વાનને લઈને એક પોલીસી તૈયાર કરી રહી છે. આ પોલીસીમાં કયા કયા મુદ્દાઓ સમાવવા તેને લઈને વિચાર વિમર્સ ચાલી રહ્યો છે. પોલિસીને લઈ લોકોમાં રોષ ન ઉત્પન્ન થાય તે બાબતની તકેદારી રાખવામાં આવશે.
અન્ય રાજ્યોના નીતિનિયમોનો અભ્યાસ કર્યા બાદ આ અંગે પોલીસી તૈયાર કરી તેને મંજૂરી આપવામાં આવશે. જોકે આ અંગે હજી છ સાત મહિના જેટલો સમય લાગી જશે પરંતુ વર્ષ 2024માં આ પોલીસી લાગુ કરવાનું આયોજન થઈ રહ્યું છે.આ પોલિસીમાં સ્ટ્રીટ ડોગનું રજિસ્ટ્રેશન ફરજિયાત થશે તે તો નક્કી જ છે.અન્ય નિયમો ક્યાં હશે તે જોવું રહ્યું. કયા પ્રકારના નીતિ નિયમો લાગુ થઈ શકે છે તેની પેર નજર કરીએ તો –
અન્ય લોકોને પાલતુ શ્વાનથી નુકસાન કે હેરાનગતિ ન થાય તેની તકેદારી રાખવી
મંજૂરીના હોય તેવી જગ્યાએ પાલતુ શ્વાનને ન લઈ જવા
પેટ ડોગ પોલીસી અમલીકરણને શ્વાન રાખનારા લોકો આવકારી રહ્યા છે પરંતુ સાથે રજિસ્ટ્રેશન ફી વ્યાજબી હોવી જોઈએ તેમજ નીતિનિયમ પાલન થઈ શકે તેવા હોવા જોઈએ તેવી માંગ કરી રહ્યા છે.
શહેરમાં પેટ ડોગ કેટલા છે તેની જાણકારી મળે, શ્વાનના કારણે અન્યને કોઈ નુકસાન થાય તો તેને માલિકને જવાબદાર ગણી શકાય તેવા વિવિધ હેતુને ધ્યાનમાં રાખી મ્યુ કોર્પોરેશન (AMC) દ્વારા આ પોલીસી બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જોવાનું એ રહે છે કે પોલીસી ના અમલીકરણ બાદ લોકોનો કેવો પ્રતિસાદ મળે છે.