અમદાવાદઃ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) એ શુક્રવારે ગાંધીનગર અને મોટેરા વચ્ચે મેટ્રો રેલના બીજા તબક્કાની કામગીરી માટે ટ્રાયલ રન શરૂ કર્યા છે. ગુરુવારે, પ્રથમ ટ્રેનો અને એન્જિનો રોલઆઉટ કરવામાં આવ્યા હતા. સત્તાવાળાઓએ મેના અંતમાં અથવા જૂનની શરૂઆતમાં આ માર્ગને મુસાફરોની અવરજવર માટે ખોલવાની યોજના બનાવી છે. આ મહિનાની શરૂઆતમાં, તેઓએ મોટેરાથી સેક્ટર-1 સુધીના ટ્રેકની જાહેરાત કરી હતી, જે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (ગિફ્ટ સિટી)ને જોડે છે.
અમદાવાદ મેટ્રોના પ્રોજેક્ટના બીજા તબક્કાનો પ્રીટ્રાયલ રન શરૂ કરાયો છે. અમદાવાદ અને ગાંધીનગરની કનેક્ટિવિટી વધારવા માટે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા શુક્રવારે અમદાવાદ-ગાંધીનગર બીજા તબક્કાના પ્રોજેક્ટ માટે ટ્રાયલ રનની શરૂઆત કરી હતી. આ ટ્રાયલ રન GNLU અને ધોળા કુવા વચ્ચે યોજાયો હતો. હાલમાં અમદાવાદમાં મેટ્રો ચાલી રહી છે અને તેને ભવિષ્યમાં ગાંધીનગર સુધી લંબાવવાની છે. જેના માટે હજી કામ ચાલી રહ્યું છે. જોકે, આ દરમિયાન બંને શહેરો વચ્ચે ટ્રાયલ રન યોજાયો છે. અમદાવાદ-ગાંધીનગર બીજા તબક્કાના પ્રોજેક્ટ 28 કિલોમીટરના અંતરમાં ફેલાયો છે અને તેમાં 22 સ્ટેશનનો સમાવેશ થાય છે.
નોંધપાત્ર રીતે મોટેરા ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી સેક્ટર-1 સુધી વિસ્તરેલો 21 કિલોમીટરનો પ્રાયોરિટી સેક્શન પ્રોજેક્ટના ફોકસને હાઈલાઈટ કરે છે. આ પ્રોજેક્ટને હાલમાં પ્રાથમિકતા આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા પછી ય્સ્ઇઝ્ર મેટ્રો રેલ સુરક્ષા કમિશનર સાથે વેરિફિકેશન પ્રક્રિયા સાથે આગળ વધશે. ત્યારબાદ મે-જૂનમાં તેના કોમર્શિયલ ઓપરેશન્સ શરૂ થવાની અપેક્ષા છે. બીજા તબક્કાના ૨૨ સ્ટેશનોમાં કોટેશ્વર રોડ, વિશ્વકર્મા કોલેજ, તપોવન સર્કલ, નર્મદા કેનાલ, કોબા સર્કલ, જૂના કોબા, કોબા ગામ, GNLU, PDPU, ગિફ્ટ સિટી, રાયસણ, રાંદેસણ, ધોળ કુવા સર્કલ, ઈન્ફોસિટી, સેક્ટર-1, સેક્ટર-10A, સચિવાલય, અક્ષરધામ, જૂનું સચિવાલય, સેક્ટર-16, સેક્ટર-24, અને મહાત્મા મંદિરનો સમાવેશ થાય છે.
આ ટ્રાયલ સફળ રહ્યા બાદ જરૂરી પરવાનગી મેળવ્યા બાદ મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી ગિફ્ટ સિટી સુધી મેટ્રો ટ્રેન દોડતી થશે. ગાંધીનગરને મેટ્રો મળતા અમદાવાદ અને ગાંધીનગરની કનેક્ટિવિટીમાં ઉમેરો થશે અને વિદ્યાર્થીઓ તેમજ નોકરીયાતોને ઘણો ફાયદો થશે. ગાંધીનગરવાસીઓને જલ્દી મેટ્રો મળે તે અંગેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને આ કામ બહુ જલ્દી પૂર્ણ થશે તેવો આશાવાદ વ્યક્ત કરાયો છે.