અમદાવાદ : અમદાવાદમાં પણ પોતાના ઘરમાં પાલતુ પ્રાણીઓને રાખતાં લોકોની સંખ્યા વધી રહી છે. જેથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને (AMC) પશુઓને સમર્પિત સ્મશાન બાંધવાનું નક્કી કર્યું છે. જ્યાં પાલતુ સહિતના પ્રાણીઓના અંતિમ સંસ્કાર કરી શકાશે. શહેરનું આ પ્રકારનું પહેલું સ્મશાન ગ્યાસપુર નજીક સૂએજ સ્લજ રેડિએશન પ્લાન્ટ પાસે નિર્માણ પામશે.
એક રિપોર્ટ મુજબ AMCની સ્ટેન્ડીંગ કમિટિએ આ અંગે 6 મહિના સુધી ચર્ચા વિચારણા કર્યા બાદ નિર્ણય લીધો. અને અંતે CNG સંચાલિત ભઠ્ઠીવાળા સ્મશાન બનાવવાની પ્રપોઝલને મંજૂરી આપી. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગ્યાસપુર નજીક સુએજ સ્લજ રેડીએશન પ્લાન્ટ પાસે CNG સંચાલિત સ્મશાન બનાવવામાં આવશે. શહેરનું આ પ્રથમ સ્મશાન હશે જ્યાં પાલતુ સહિતના પ્રાણીઓના અંતિમ સંસ્કાર કરી શકાશે.
AMCએ CNG સ્મશાનને 5 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવશે. જો કે આ સ્મશાનમાં પાલતુ સહિતના પ્રાણીઓના અંતિમ સંસ્કાર કરી શકાશે. સામાન્ય રીતે CNG ભઠ્ઠીમાં માનવ મૃતદેહને બળતા એકથી બે કલાક લાગે છે જ્યારે ગાય, ભેંસ, બળદ જેવા પ્રાણીઓના શબને બળતા 3 થી 4 કલાક લાગી શકે છે. પશુઓના મૃતદેહોને પિરાણા પાસે દફન કરવામાં આવે છે પરંતુ આ સ્મશાન બન્યા બાદ પશુઓના પણ અંતિમ સંસ્કાર થશે.
પશુ અબોલ પ્રાણી છે. કહેવાય છે કે પશુઓનું જીવન મનુષ્ય જીવનના વર્ષો જેટલું બહુ લાંબુ હોતુ નથી. ઘરે રાખવામાં આવતા પાલતુ પશુ થોડા સમય જ સાથે રહે છે છતાં એક સ્વજન જેવી માયા બંધાઈ જાય છે. અને આથી જ્યારે આ પાલતુ પશુનુ મૃત્યુ થાય ત્યારે તેમના સ્વજનની જેમ વિધિવત અંતિમ સંસ્કાર કરાતા વધુ શાંતિ જરૂર મળે છે.