અમદાવાદ : અમદાવાદમાં વ્યાજખોરોએ ફરીથી માથુ ઉચક્યું હોય એમ લાગી રહ્યું છે. અમદાવાદના એક વેપારીએ વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કરી લેતા વ્યાજખોરો ફરીથી છાકટા બન્યા હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે.વાસણામાં ઘરઘંટીની દુકાન ધરાવતા વેપારીએ પોતાની જ દુકાનમાં વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કરી લીધો હતો. આપઘાતના બીજા દિવસે દુકાનના ટેબલમાંથી સ્યુસાઇડ નોટ મળી આવી હતી, જેમાં 5 લોકોના ત્રાસથી આપઘાત કર્યો હોવાનો ઉલ્લેખ કર્યો હતો. વેપારીને આત્મહત્યા કરવા દુષપ્રેરિત કરવા બદલ પાંચ વ્યાજખોરો સામે ફરિયાદ નોધવામાં આવી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદના વાસણામાં રહેતા એક વેપારી રજવાડું હોટેલ પાસે ઘરઘંટીનો લાગતો વ્યવસાય કરતા હતા. વિનોદભાઈ અવારનવાર પૈસાની જરૂર હોવાથી ઓળખીતા વ્યક્તિઓ પાસેથી વ્યાજે પૈસા લેતા હતા. આ વેપારીએ વ્યાજે લીધેલા નાણાં ચુકવી દીધા હોવા છતા વ્યાજખોરો પૈસા માટે વેપારીને હેરાન પરેશાન કરી રહ્યા હતા. એટલું જ નહી આરોપીઓ વેપારીને ધમકી આપી તેના ઘરેથી કાર પણ ઉઠાવી ગયા હતા.
ગત 5 એપ્રિલે સવારના સાડા ચાર વાગ્યે વેપારીએ કામ હોવાનું કહીને દુકાને ગયા હતા. જોકે, તેઓ પરત ન આવતા અને ફોન ન ઉઠાવતા તેમના પરિવારના સભ્યો દુકાને પહોંચ્યા ત્યારે દુકાન અંદરથી બંધ હતી. દુકાન ખોલીન અંદર જોતા વેપારીએ દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આપઘાત બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી
પોલીસને વેપારીએ લખેલી સ્યુસાઈડ નોટ મળી આવી છે જેને આધારે પોલીસે પાંચ વ્યાજખોરો સામે ગુનો નોંધ્યો છે. હાલમાં પોલીસ આ વ્યાજખોરોની શોધ ચલાવી રહી છે. આરોપીઓની ધરપકડ બાદ ખરેખર શું હકીકત હતી તે સામે આવશે. થોડા સમય પહેલા વ્યાજખોરોના ત્રાસથી વેપારીઓથી લઈને અનેક લોકોએ આપઘાત કરતા ગુજરાત પોલીસ હરકતમાં આવી હતી. પોલીસે વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરી હતી. જોકે ફરીથી તેમમે માથુ ઉચક્યું હોવાનું આ બનાવને પગલે જણાઈ રહ્યું છે.