અમદાવાદ : અમદાવાદમાં બેફામ વાહનોની સ્પીડ કંટ્રોલ કરવા ટ્રાફિક વિભાગ અને AMC એક્શનમાં છે. ત્યારે ટ્રાફિક ઇજનેર વિભાગ દ્વારા બેફામ સ્પીડે વાહન ચલાવી અકસ્માત અટકાવવા માટે એક નવતર પ્રયોગ કરાયો છે. ટ્રાફિક પોલીસ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લોકો ધીમે વાહનચલાવે તેના માટે સિંધુભવન રોડ પર ગોટીલા ગાર્ડન અને તાજ હોટલ નજીક રંબલ સ્ટ્રિપ (પીળા પટ્ટા) લગાવવામાં આવ્યા છે. જેના કારણે રોડ પર બેફામ સ્પીડમાં ચલાવતા વાહનચાલકોને ધીમે વાહન ચલાવવાની અને ડેન્જર ઝોન હોવાનો ખ્યાલ આવશે.
AMCના ટ્રાફિક વિભાગના એડિશનલ સિટી ઇજનેર પ્રેમલ શેઠે જણાવ્યા મુજબ, શહેરના સિંધુભવન રોડ ઉપર AMC દ્વારા આ રંબલ સ્ટ્રિપ (પીળા પટ્ટા) લગાવવામાં આવ્યા છે.જેના કારણે આગળ ચાર રસ્તા અને અકસ્માત ઝોન હોવાથી વાહનચાલકને પોતાના વાહનની સ્પીડ ધીમી કરવા અંગેની જાણકારી પ્રાપ્ત થાય છે.ટ્રાફિક પોલીસ દ્વારા સર્વે કરી અને જે જગ્યાએ અકસ્માત ઝોન અથવા તો ડેન્જર ઝોન હોય તેની માહિતી આપવામાં આવતી હોય છે. જેના આધારે AMC દ્વારા શહેરના સિંધુભવન રોડ પર ગોટીલા ગાર્ડન અને તાજ હોટલ નજીક રંબલ સ્ટ્રિપ (પીળા પટ્ટા) લગાવવામાં આવ્યા છે.
તમને જણાવી દઈએ કે શહેરના સિંધુભવન રોડ ઉપર સૌથી વધારે રેસ ડ્રાઇવિંગ થતું હોય છે. મોડી રાત્રે નબીરાઓ દ્વારા સરદાર પટેલ રિંગરોડથી લઈ પકવાન ચાર રસ્તા સુધી સ્ટંટ બાજી અને બેફામપણે વાહન ચલાવતા હોય છે. ત્યારે આવા વાહનચાલકોને રોકવા માટે ટ્રાફિક પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રંબલ સ્ટ્રિપ (પીળા પટ્ટા) લગાવવામાં આવ્યા છે. જેના કારણે આગામી સમયમાં બેફામ સ્પીડે ચાલતા વાહનોચાલકો કંટ્રોલ કરી અકસ્માત ઘટાડી શકાશે.
ભૂતકાળમાં અમદાવાદમાં રોન્ગ સાઈડ જવા અટકાવવા ટાયર કિલર બમ્પનો પ્રયોગ નિષ્ફળ સાબિત થયો હતો. બમ્પ હોવા છતા લોકો તેના પરથી વાહન લઈને રોંગ સાઈડથી જતા કેમેરામાં કેદ થયા હતા. જ્યારે ટાયર કિલર બમ્પની સ્પ્રિંગ પણ વારંવાર બગડી જતા તેને પણ રિપેર કરાવવી પડી હતી. ત્યારે AMCનો એ પ્રયોગ પણ પ્રજા માટે સફેદ હાથી જેવો સાબિત થયો હતો ત્યારે AMCનો રંબલ સ્ટ્રિપ લગાવવાનો નવતર પ્રયોગ કેટલે અંશે સફળ સાબિત થશે એ આગામી સમય જ બતાવશે.