અમદાવાદ: અમદાવાદમાં દિવસે દિવસે ગુનાખોરી વધતી જઇ રહી છે. ચોરી, લૂંટ, હત્યા જાણે સામાન્ય બનતા જઇ રહ્યા છે. અમદાવાદમાં હત્યાના બનાવ બન્યા છે.છેલ્લા બે દિવસમાં નવરંગપુરા, દાણીલીમડા,વસ્ત્રાપુર અને કૃષ્ણનગરમાં જ હત્યાના ચાર બનાવ સામે આવ્યા છે. જેમાંથી બે હત્યાના બનાવોમાં નિર્દોશના જીવ ગયા છે. જે માત્ર ઝઘડો રોકવા માટે વચ્ચે પડ્યા હતા અને તેમને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા.સતત વધી રહેલી હત્યાની ઘટનાને લઈ પોલીસ તંત્ર પર સવાલ ઉઠી રહ્યા છે.
દાણીલીમડામાં ઘરની બહાર શખ્સની હત્યા
દાણીલીમડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બિસ્મિલા હોટલની પાછળ બોમ્બે હોટલ પાસે ઝુબેર કુરેશી નામના 31 વર્ષીય યુવકની હત્યા કરવામાં આવી હતી.ઝુબેર કુરેશી ઘરની બહાર બેઠો હતો, તે સમયે યુસુફઅલી સૈયદ નામનો યુવક ત્યાં આવ્યો હતો અને અગાઉ થયેલા બોલાચાલી ઝઘડાની અદાવત રાખી પોતાની પાસે રહેલા તિક્ષ્ણ હથિયારથી ઉપરાછાપરી હુમલા કર્યા હતા. જેના કારણે ઝુબેર કુરેશીનું મોત થયું હતું.
આ બાબતને લઈને દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં રિહાનાબાનુ કુરેશીએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કર્યો છે. હત્યા કરનાર આરોપીની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી તપાસ કરતા સામે આવ્યુ કે મૃતક ઝુબેર સામે અલગ અલગ 10 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. અને તેને લાંબા સમયથી આરોપી સાથે તકરાર ચાલતી હતી. જોકે આ મામલે આરોપીની ધરપકડ કરી દાણીલીમડા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
નવરંગપુરામાં રીક્ષા ચાલકની સગીરે હત્યા કરી
પશ્ચિમ અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં દુકાનદાર સાથે ઘર્ષણ કરનાર સગીર યુવકને સમજાવવા જતા રીક્ષા ચાલકની સગીરે હત્યા કરી છે. આશ્રમ રોડ ઉપર આવેલી સિટી ગોલ્ડ મલ્ટિપ્લેક્સની બાજુમાં શીતલ આઈસ્ક્રીમ પાર્લર પાસે જીતુ ઉર્ફે જીતેન્દ્ર દંતાણી નામનો રીક્ષા ચાલક રીક્ષા લઈને ઊભો હતો. તે સમયે આઈસ્ક્રીમ પાર્લર પર એક સગીરનુ હાજર કર્મી સાથે બોલાચાલી થતા જીતુ દંતાણીએ તેને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે સગીરે શખ્સ સાથે ઝપાઝપી કરીને છરીના ઘા માર્યા હતા.
ઠક્કરનગરમાં મોટાભાઈના ઝઘડામાં નાનાભાઈની હત્યા
પૂર્વમાં ઠક્કરનગર નજીક કેવડાજીની ચાલીમાં હત્યાની ઘટના સામે આવી છે. કૃષ્ણનગર પોલીસ મથકમાં હત્યાની ફરિયાદ નોંધાઈ છે. મોટાભાઈના ઝઘડામાં વચ્ચે પડતા નાનાભાઈની હત્યા થઇ છે. ઠક્કરનગરના કેવડાજીની ચાલીમા બનાવ બન્યો છે. 23 વર્ષીય કુશ તોમરની 3 લોકોએ છરી મારી હત્યા કરી છે. કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
વસ્ત્રાપુરમાં જૂથ અથડામણમાં મહિલાનું મોત
અમદાવાદના વસ્ત્રાપુર ગામમાં જૂથ અથડામણની ઘટના બની હતી. રાધા કૃષ્ણ મંદિર મામલે એકજ કોમના બે જૂથ વચ્ચે પથ્થરમારો થતા લીલી બેન ભરવાડ નામની મહિલાનું મોત થયું હતું. જ્યારે છ લોકો ઇજાગ્રસ્ત થતા તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.