અમદાવાદ : આજથી નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત થઈ છે. 35 દિવસના ઉનાળું વેકેશનમાં ભેંકાર ભાસતી શાળાઓ વિદ્યાર્થીઓના કિલ્લોલથી ગુંજી ઉઠી છે. ત્યારે અલગ અલગ શાળામાં અલગ લેગ રીતે વિધાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યારે RTO દ્વારા નિયમોના પાલન થાય છે કે કેમ તે અંગે ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં ઘણા વાહનચાલકોએ નિયત સંખ્યા કરતાં વધુ વિદ્યાર્થીઓ બેસાડ્યા હતાં. તો ઘણા નિયમો મુજબ ચાલતાં હોવાનું સામે આવ્યું છે.
આજથી રાજ્યમાં શાળાઓ શરૂ થઈ ગઈ છે, ત્યારે અમદાવાદમાં પણ બાળકોની સલામતીના હિતમાં સ્થાનિક સત્તામંડળ અને જિલ્લા DEO અને ગ્રામ્ય DEO દ્વારા શાળાની ચકાસણી થઈ રહી છે. આ ઉપરાંત RTO દ્વારા પણ સ્કૂલ વાન અને રીક્ષાઓમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર રાજ્યમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં સંબંધિત કોર્પોરેશન અને કલેક્ટર દ્વારા બિલ્ડિંગ યુઝ પરમિશન (બીયુ પરમિશન) ન હોય અથવા ફાયર એનઓસી ન હોય અથવા બંને ના હોય કે ફાયર એન.ઓ.સી. રિન્યૂ ન કરાવી હોય એવા સંજોગોમાં શાળા સંકુલ સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ગુજરાતમાં ફાયર એનઓસી-બીયુ પરમિશનની ચકાસણી વચ્ચે ગુજરાતની 54 હજારથી વધુ શાળાઓમા વર્ષ-2024-25ના નવા શૈક્ષણિક સત્રનો આજ ગુરૂવારથી પ્રારંભ થયો છે. 35 દિવસના ઉનાળુ વેકેશન દરમિયાન સૂમસામ રહેળા શાળાઓના કેમ્પસ આજથી 1.15 કરોડથી વધુ વિદ્યાર્થીઓના કિલ્લોલથી ફરી ગૂંજી ઊઠી છે. આ વર્ષે રાજ્યની તમામ શાળાઓમાં તા. 27, 28 અને 29મી જૂન એમ ત્રણ દિવસ દરમિયાન પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના એકેડેમિક કેલેન્ડર મુજબ રાજ્યની સ્કુલોમાં તા. 6 મી મે-2024થી 9મી જૂન-2024 સુધીનું વેકેશન જાહેર કરાયું હતું, આ અંગે પ્રાથમિક નિયામક કચેરી દ્વારા પરિપત્ર પણ કરી દેવાયો હતો. પરંતુ શાળાના શિક્ષકો સહિતના કર્મચારીઓ લોકસભા ચૂંટણીની કામગીરીમાં રોકાયેલા હોવાથી અગાઉ જાહેર કરાયેલું વેકેશન મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો હતો.