અમદાવાદ : અમદાવાદમાં પુત્રએ માતાની હત્યા કર્યાનો બનાવ સામે આવ્યો છે. આ ઘટના પાલડી વિસ્તારની છે. પાલડીમાં રહેતા એક શખ્સે પહેલા પોતાની માતાની હત્યા કરી અને બાદ આત્મહત્યા કરી. આ ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી જવા પામી.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદના પાલડીના મહાલક્ષ્મી ફ્લેટમાં રહેતા GLS કોલેજના 42 વર્ષના પ્રોફેસર મૈત્રેય ભગતે મોડી રાતે પોતાની 75 વર્ષની માતા દત્તા ભગતની હત્યા કરી નાંખી છે. જે બાદ પુત્રએ પણ પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. આપઘાત કરનાર મૈત્રેય ભગત GLS કોલેજમાં ઇકોનોમિકસ વિભાગનાં પ્રોફેસર હતા. આ ઘરમાં માતા અને પુત્ર એકલા જ રહેતા હતા. સવારે ઘરની બહાર દૂધ અને છાપા એમના એમ પડ્યા હોવાને કારણે પાડોશીઓને કાંઇ અઘટિત બન્યાની શંકા ગઇ હતી. જેથી પાડોશીઓએ ઘરનો દરવાજો ખોલીને જોતા પુત્ર મૈત્રય ગળેફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યો હતો. જે બાદ પાડોશીએ આ અંગે પોલીસને જાણ કરી હતી.
ઘટનાની જાણ થતા પોલીસ FSLની ટીમ સાથે બનાવ સ્થળ પર પંહોચી ગઈ છે. આ શખ્સે કેમ માતાની હત્યા કરી અને કેમ બાદમાં પોતે આત્મહત્યા કરી તે કારણ જાણી શકાયું નથી. પોલીસને આ મામલે હજુ સુધી કોઈ સ્યુસાઈડ નોટ કે હત્યા માટેનું કારણ મળ્યું નથી. હત્યા અને આપઘાતનું કારણ અકબંધ છે. પોલીસ આ મામલાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પાલડી વિસ્તારમાં બનેલી આ ચકચારી ઘટનામાં દત્તાબેન ભગત મોડી રાત્રે ઘરમાં સૂઈ રહ્યા હતા ત્યારે પુત્ર મૈત્રેય ભગતે છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી. બાદમાંમૈત્રેય ભગતે ઘરમાં જ ગળેફાંસો ખાઈ મોત વ્હાલુ કર્યું હતું. આપઘાત કરનાર મૈત્રેય ભગત GLS કોલેજમાં પ્રોફેસર હતા. જ્યારે મૈત્રના પિતા MBBS ડોક્ટર હતા અને 6 વર્ષ પહેલાં જ તેમનું અવસાન થયું હતું.